અમદાવાદમાં વિશ્વ આયુર્વેદ કોંગ્રેસનો પ્રારંભ, ‘આયુષગુરુ’ પોર્ટલ લોન્ચ

અમદાવાદ– આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય મેળાનો કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપાદ નાઇકની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન વિજય રુપાણી જણાવ્યું કે, વિશ્વ આજે ટોટલ હેલ્થ એન્ડ વેલનેસનો જે માર્ગ શોધે છે તે હિન્દુ સંસ્કૃતિના ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલા આયુર્વેદ અને યોગથી દર્શાવી દીધો છે.

આ કાર્યક્રમમાં 35થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને 24 આંતરરાષ્ટ્રીય વક્તાઓ તેમ જ 3500 જેટલા ડેલીગે્ટસ વૈશ્વિક સ્તરે આયુર્વેદ ચિકિત્સાના પ્રસારનું મનોમંથન કરશે.

આ સાથે મુખ્યપ્રધાને ક્ષારસૂત્ર ઓટોમેટિક મશીનનું ડિજિટલી લોકાર્પણ કર્યું હતું. આયુષ વિભાગના કેન્દ્રીય રાજ્યપ્રધાન શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, આયુર્વેદ એ વિશ્વને મળેલી ચિકિત્સાની અનોખી ભેટ છે. છેલ્લા ઘણાં સમયથી આયોજિત આ આયુર્વેદિક કોંગ્રેસ આંતરાષ્ટ્રીય ઇવેન્ટ બની રહી છે. તેમણે ‘આયુષગુરુ’ નામના પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું કે, આ મેળો ભારતીય આયુર્વેદને વિશ્વ સમક્ષ મુકવાનું પ્લેટફોર્મ બન્યું છે. આ મેળામાં થયેલી ચર્ચા-વિચારણા અને મંથન આયુર્વેદને નવી દિશા બક્ષશે.

પ્રાસંગિક સંબોધનમાં સીએમે કહ્યું કે આયુર્વેદની રચના જ મનુષ્યના સર્વાંગી કલ્યાણ-સામાજિક સ્વાસ્થ્ય – સાર્વજનિક સ્વાસ્થ્ય- પર્યાવરણ સ્વાસ્થ્ય માટે થયેલી છે તેથી આજે આખી દુનિયા મોટી આશા અને ઉમીદ સાથે ભારતીય આયુર્વેદ અને યોગ તરફ મીટ માંડી રહી છે. . આઠમી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસને રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવતાં કહ્યું કે, ગુજરાતનો સંબંધ આયુર્વેદ અને આયુર્વેદ ચિકિત્સા સાથે બહુ જૂનો છે. ૧૯૫૨માં દેશનું પહેલું આયુર્વેદ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જામનગરમાં શરૂ થયું હતું જે આજે ધનવંતરી આયુર્વેદિક વિશ્વ વિદ્યાલયના રુપમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં ગુજરાતની ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી જ આયુર્વેદ વિભાગ કાર્યાન્વિત કરવામાં આવેલો છે.

ગુજરાતમાં ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન અને આજે ગાંધીનગરમાં ખાદ્ય ખોરાક પ્રદર્શનીના પ્રારંભ સાથે આ આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસની શરૂઆતની ત્રિવેણી નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી, યોગ્ય આહાર અને આયુર્વેદ યોગથી સામાજિક તંદુરસ્તીની દિશાનું એક સ્તુત્ય પગલું બનશે. રુપાણીએ આયુર્વેદને વિશ્વના અનેક દેશોમાં અભ્યાસ તેમજ અધિકૃત ચિકિત્સા પ્રણાલી તરીકે સ્વીકારાઇ રહી છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, આયુર્વેદના પરંપરાગત ચિકિત્સા જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન કરવું સમયની આવશ્યકતા છે.

આ મેળામાં 35૦૦ ડેલીગેટ્સ ભાગ લઇ રહ્યા છે. 160 આમંત્રિત અને પ્રસિદ્ધ વક્તાઓ સાથે 24 આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ 87 ટેકનિકલ સેશન્સમાં વકતવ્ય આપશે. આ ઉપરાંત ૩૫ કરતા વધુ દેશોના પ્રતિનિધિઓ, વિવિધ ૨૧ સંલગ્ન કાર્યક્રમોમાં સહભાગી પણ બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]