અમદાવાદઃ લઠ્ઠાકાંડમાં કોર્ટે આપ્યો ચૂકાદો, વધુ બે આરોપીઓને 10 વર્ષની જેલ…

અમદાવાદઃ 10 વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં થયેલા લઠ્ઠાકાંડના બે આરોપીઓને સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2009માં આ ઘટનામાં કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ લઠ્ઠાકાંડમાં દોઢસો લોકોના મોત થઈ ગયાં હતાં.આ બે આરોપીઓ સહિત અત્યાર સુધીમાં આ કેસમાં 12 શખસોને સજા ફટકારવામાં આવી ચૂકી છે. આ પહેલા માર્ચ મહિનામાં કોર્ટે 10 શખસોને દોષિત માનતાં તેમને જેલ હવાલે કર્યા હતા.

જોકે, આ કેસની ટ્રાયલ ચાલતી હતી ત્યારે બે આરોપીઓ જયેશ ઠક્કર અને યોગેન્દ્ર સિસોદિયા ઉર્ફે દાદુ છારા ફરાર થઈ ગયા હતા. તેમને બાદમાં કોર્ટમાં હાજર કરાયા હતા. એ સાબિત થઈ ગયું છે કે, આ બંને ઝેરી દારુ બનાવવામાં અને શહેરમાં દારુનું વિતરણ કરવાના કામમાં જોડાયેલા હતા. તેમને અલગથી સજા કરવામાં આવી હતી.

ઠક્કર અને છારા ઉપરાંત અન્ય બે આરોપીઓ વિનોદ ઠક્કર ઉર્પે ડગરી અને અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપડાને પણ 10 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. કોર્ટે કોઈને હત્યા માટે સજા નથી આપી, કેમકે તેના આરોપ સાબિત થઈ શક્યા નથી. ઝેરી દારુ પીવાથી 150 જેટલા લોકોના મોત બાદ ગુજરાત સરકારે દારુબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો હતો અને લઠ્ઠાકાંડ જેવા ગુનામાં મોતની સજાની જોગવાઈ કરી હતી. આરોપીઓને આઈપીસીની કલમ 302માંથી મુક્ત કરી દેવાયા હતા, પરંતુ તેમને પર કલમ 304 પાર્ટ 2 અંતર્ગતદોષિત મનાયા હતા.

આ કેસમાં 321 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.કોર્ટે આ સજા 9 અને 12 જુલાઈ, 2009એ કાગઠાપીઠ વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 34 લોકોના થયેલા મોતના કેસમાં ફટકારી છે. આ કેસમાં 34 લોકોની સામે ટ્રાયલ ચલાવાઈ હતી અને 12ને સજા ફટકારાઈ છે, જેમાં 8 મહિલાઓ પણ સામેલ છે. મહિલા આરોપીઓને ઝેરી દારુ વેચવા માટે 1 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.

જુલાઈ 2009માં ઝેરી દારુ પીવાથી લગભગ 150 લોકોના મોત થયા હતા. કાગઠાપીઠ પોલીસ મથક ઉપરાંત ઓઢવ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. અહીં 100થી વધુ લોકોના મોત થયા હતા. બીજા કેસમાં 39 આરોપીઓ સામે કોર્ટ શનિવારે પોતાનો ફેંસલો સંભળાવે તેવી શક્યતા છે.