અમદાવાદઃ મુલાકાતીઓથી વંચિત છે શહેરનો આ ભવ્ય વારસો…

અમદાવાદ-હેરિટેજ સિટી જાહેર થયાં બાદનો અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ આવ્યો છે ત્યારે ઐતિહાસિક ઇમારતોના સૌદર્યથી સજેલાં અમદાવાદની સાચી હેરિટેજને પણ અમદાવાદીઓ તેમને નિહાળે અને કલાની કદર બૂઝે તેવી રાહ છે. અમદાવાદના બેનમૂન સ્થાપત્યોની એક નાનકડી લટાર શહેરના 608માં સ્થાપના દિવસ નિમિત્તે આપને કરાવીએ.

ગુજરાતનું આ સૌથી મોટું નગર-મહાનગર છે. સાથે જ રાજ્યની આર્થિક રાજધાની તરીકે પણ મશહૂર છે. આ શહેરમાં હરવાફરવાની-ઐતિહાસિક ઇમારતો અને જોવલાયક સ્થળોની વાત આવે એટલે હરીફરીને સીદી સૈયદની જાળી, જુમ્મા મસ્જિદ, ત્રણ દરવાજા, ઝૂલતાં મિનારા જેવા કેટલાક સ્થળના નામ બોલી જવાય. મહેમાન કે ઐતિહાસિક સ્થળો જોવાના શોખીન આવે તો આવી કેટલીક જાણીતી જગ્યાઓ બતાવી પ્રવાસ પૂરો જાહેર કરી દે. પરંતુ અમદાવાદ શહેરમાં એવા કેટલાક સ્થળો પણ છે જ્યાં જઇ શકાય છે.

શહેરમાં  કેટલીક સુંદર સ્થાપત્યોવાળી બેનમૂન, કળાકારીગરીથી પૂર્ણ જગ્યાઓ છે જેની મુલાકાત બહુ ઓછા લોકો લે છે. કારણ, કેટલાંક સ્થળ અમદાવાદના છેડે આવેલાં છે તો કેટલાક સ્થળ મધ્યમાં આવેલાં હોવા છતાં આજુબાજુની ગીચતા, દબાણો અને વાતાવરણના કારણે મુલાકાતીઓ આ સ્થળોએ જવાનું ટાળે છે. અહીં પ્રસ્તુત છે અમદાવાદના એવા કેટલાક ઐતિહાસિક સ્થળ…

મીર અબુ તુરબની દરગાહશહેરના બહેરામપુરામાં આ દરગાહ આવેલી છે. મીર અબુ તુરબ અકબરના  એક વિશ્વાસુ- ચીફ ઓફ પીલગ્રીમ્સ હતાં. તેમની આ દરગાહ નિહાળવી દર્શનીય લહાવો બને છે. 1594માં મૃત્યુ પામેલાં મીર અબુ તુરબની દરગાહ ફરતે 12 પીલર્સ અને છ પીલર્સના બીજા ટેકા સાથેના ગોળ ગુંબજ સાથે ખૂબ સુંદર રીતે બનાવાયેલી છે. ફેક્ટરીઓ અને દબાણોથી ઘેરાયેલાં આ સ્થળને શોધવું પણ એક ચેલેન્જ છે.

બાબા લવ લવીની દરગાહશહેરના સરદાર બ્રિજથી સાબરમતી નદી તરફ નજર નાંખતાંની સાથે કેલિકો મિલનું ભૂંગળું અને એક ઐતિહાસિક ઇમારત નજરે ચડે છે. જોકે ભાગ્યેજ લોકો આ જગ્યાએ જાય છે. જ્યારે રિવરફ્રન્ટ બન્યો ન હતો ત્યારે ઇમારતની આજુબાજુ કચરાના વિશાળ ઢગલાં જ નજરે પડતાં હતાં. હાલ વિકાસ પામેલાં સાબરમતી રિવરફ્રન્ટને અડીને જ આવેલી બાબા લવ લવીની અંદાજે 500 વર્ષ જૂની દરગાહ-મસ્જિદનું સ્થાપત્ય બેનમૂન કક્ષાનું છે. બારીક કોતરણી, ઊંચી કમાનો, સુંદર ઝરુખાથી સજ્જ આ ઐતિહાસિક ધરોહર દર્શનીય છે.

અચ્યૂત કૂકીની મસ્જિદદૂધેશ્વર વિસ્તારનું નામ પડતાંની સાથે અમદાવાદીઓને ઝૂંપડપટ્ટી વિસ્તાર અને કારખાનાં નજરે તરવા માંડે. આ વિસ્તારનો વાડજ સાથે જોડતો પૂલ બન્યો પછી વિકાસ થયો છે. માનવ વસ્તી અને ભરપુર દબાણોની વચ્ચે જ ઐતિહાસિક, કળાત્મક એવી અચ્યૂત કૂકીની મસ્જિદ આવેલી છે. મોગલકાળના શિલ્પ સ્થાપત્ય અને બારીક કોતરણીકામથી ખૂબસૂરત લાગતી આ જગ્યા પશ્ચિમ ભારતના ઇન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો કહી શકાય છે.

માતા ભવાનીની વાવ

પહેલાંના રાજાઓ પ્રજાને સારી રીતે પાણી મળી રહે તે હેતુથી કૂવાઓ-વાવ ગળાંવતાં હતાં. ખાસ તો વાવના બાંધકામની અદભૂત કળાકારીગરીને લઇને ગુજરાતની ઘણી વાવ વિશ્વસ્તરે જાણીતી છે. કારણે કે વાવના બાંધકામમાં કળાકોતરણીને સરસ સ્થાન મળતું હતું. વાવના બાંધકામને કળાથી નમૂનેદાર  બનાવેલાં છેક નીચે પાણી સુધી પહોંચવાના પગથિયાં પણ જોવા મળે છે. વાવની કોતરણીમાં સ્થાપત્ય અને વાસ્તુકળાનો સમાવેશ કરીને તૈયાર  કરવામાં આવતી. અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઘણીબધી વાવ બનાવાઇ હતી. તેમાંની એક છે માતા ભવાનીની વાવ જે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે.

માતા ભવાનીની વાવ સોલંકી રાજા કરણ વાઘેલાના સમયની છે. વાવમાં બંધાયેલા ભવાનીના મંદિર પરથી માતા ભવાનીની વાવ નામ પડ્યું હતું. નવરાત્રિના ઉત્સવમાં આખીય વાવને દીવાથી સજાવવામાં આવે છે. ઝગગમતાં દીવડાં અને રંગબેરંગી સુશોભનથી આખીય વાવ દીપી ઊઠે છે.

તો..આજના સ્થાપના દિવસે અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘણાં સ્થાપત્યો અને જોવાલાયક સ્થળોની લાંબી યાદી યાદ કરવામાં આવશે. પરંતુ મુલાકાતીઓ આ જગ્યાઓ નિહાળી તેના ઐતિહાસિક મહત્ત્વ  અને બેનમૂન કલાકારીગરીને પણ માણે તો સાચી હેરિટેજ યાત્રા પૂરી થઇ શકે.

તસવીર-અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ