અમદાવાદની છેવાડાની સોસાયટીઓ તસ્કરોનું સોફ્ટ ટાર્ગેટ..

અમદાવાદ- શહેરનો પૂર્વ અને પશ્ચિમ બંન્ને તરફનો વિસ્તાર 200 ફૂટ રિંગ રોડ સુધી વિકસી ગયો છે. નવા વિસ્તારોની નવી સમસ્યાઓ પણ બહાર આવતી જાય છે. એમાંય એકદમ છેવાડે રેલ્વે ટ્રેક પાસે કે ખુલ્લા ખેતરોને અડીને આવેલી નવ નિર્મિત સોસાયટીઓ અને ફલેટ્સમાં ચોરી, લૂંટફાટના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે.

તાજેતરમાં જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરી અને ધાડની કેટલીક ઘટનાઓ બની. જેમાં ગોદરેજ ગાર્ડન સિટીને અડીને આવેલા દેવમ એપાર્ટમેન્ટમાં અંદાજે ચારના ટકોરે એક ટોળકી પાછળના ખુલ્લા ભાગનો કોટ કુદીને સી..બ્લોકના પહેલા માળે પ્રવેશી ગઇ.પહેલા માળે પ્રવેશેલ આ લૂંટારુઓએ બંધ મકાનનો દરવાજો તોડી નાંખ્યો. પરિવાર માં લગ્ન હોવાથી પરિવાર રાજસ્થાન ગયો હતો.

ચોર ઇસમોએ તકનો લાભ ઉઠાવી એકાવન હજારની રોકડ, ચાંદીનો ગ્લાસ, ચમચી, સોનાની તુટેલી વિંટી લઇ ગયા. કમ્પાઉન્ડ વોલ પાસેના સીસીટીવી ફૂટેજ પ્રમાણે બિંદાસ રીતે આરામથી ફરતા તસ્કરોએ અન્ય જગ્યાઓએ પણ જવાના પ્રયત્નો કર્યા. પરંતુ પરોઢ થતાં અને અન્ય ચહલ પહલ થતાં જ ચોર નાસી છુટ્યા. વહેલી સવારે પડોશ અને સીક્યુરિટીને જાણ થતાં જ પોલીસનો સંપર્ક કરાયો. પોલીસની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુુ જ છે.

રેલ્વે ટ્રેક ખુલ્લા ખેતરો પાસે આવેલી આ સોસાયટીમાં બનેલી ઘટના ચોંકાવનારી છે. ચડ્ડી બનિયન ધારી ટોળકી હોવાની સંભાવના છે. ચોરીની ઘટના, તાળા તુટવાની ઘટનાઓ પશ્ચિમ વિસ્તારમાં બને છે. પરંતુ આખી ટોળકી ત્રાટકી હોય એવી ઘટના ગોદરેજ સિટી-જગતપુર વિસ્તારમાં ઓછી બને છે. પોલીસની ગાડીઓ, ટુ વ્હિલર્સ અને જુદી જુદી ટીમોની સતર્કતા હોવા છતાંય તસ્કર ટોળકીએ છેવાડાની સોસાયટીમાં ભય ફેલાવી દીધો છે.

અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]