અમદાવાદઃ રથયાત્રામાં પ્રથમવાર થશે ઇઝરાયેલની ડ્રોન સીસ્ટમનો ખાસ ઉપયોગ

અમદાવાદ- રથયાત્રાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે સુરક્ષા માટે પોલિસતંત્ર સુસજ્જ થઇ ગયું છે. રથયાત્રા માટે ખાસ ગોઠવાયેલાં બંદોબસ્તમાં 1 પોલિસ કમિશનર, 3 સ્પેશિઅલ સીપી, 5 આઇજી-ડીઆઈજી, 31 એસપી, 88 એસપીપી, 253 પીઆઈ, 819 પીએસઆઈ તથા કુલ 14,270 પોલિસ જવાન રથયાત્રાની તમામ સ્તરની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે.રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ રથયાત્રા પર હાઈટેક હથિયારો, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીસીટીવી કેમેરા સહિતથી સુસજ્જ સુરક્ષાકર્મીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખશે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ રથયાત્રામાં રથની સાથે રસ્તાઓ પર ચાલતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ વર્ષે સૌપ્રથમવાર ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા નિર્મિત ડ્રોન ગાર્ડ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આધુનિક રડાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સીસ્ટમ ડ્રોન સહિતના લૉ-ફ્લાઈંગ ઓબ્જેક્ટને શોધી કાઢવા સક્ષમ છે. ડ્રોન ગાર્ડ સીસ્ટમ મલ્ટીપલ સેન્સરના ઉપયોગથી ઓછી ઊંચાઈએ ઉડતા ધીમા ટાર્ગેટને શોધી તેનું મેપ ઉપર વિઝ્યુલાઈઝેશન દર્શાવે છે અને મોબાઈલ એલર્ટ ઉત્પન્ન કરે છે, જેથી જોખમી ડ્રોન ફ્લાઈંગને અટકાવી શકાય છે.સીએમ રુપાણીના તાજેતરના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન આ અંગે નક્કી કરવામાં આવ્યું હતું.

આ સીસ્ટમ અડેપ્ટિવ જામીંગ સીસ્ટમથી સજ્જ છે, જે તેના ડીટેક્શન અને આઈડેન્ટિફિકેશન સેન્સર સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે ઓપરેટ થઈ શકે છે. જામીંગ એ ડ્રોનને પોતાના પોઈન્ટ ઓફ ઓરિજીન (મૂળ સ્થળ) તરફ પરત કરીને અથવા ક્રેશ-લેન્ડિંગ કરાવીને ડ્રોન-ફ્લાઈટ અટકાવી દે છે. રાજ્યની આંતરિક સુરક્ષા માટે આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એ સીમાચિન્હ રૂપ છે.