જપતપવ્રત અને થેલેસેમિક બાળદર્દીઓના લાભાર્થે રક્તદાન સહિતની ઉત્તરાયણની અનોખી ઉજવણી

અમદાવાદ- મકરસંક્રાંતિ પર્વ ઉપર મોજમસ્તી અને પતંગોત્સવની સાથે દાન સહિત વ્રત-તપ-જપનું પણ ખૂબ મહાત્મ્યગાન થયેલું છે. મકરસંક્રાતિના પારંપરિક ઉજવણીના વિધિવિધાનમાં દેશભરમાં વૈવિધ્ય જોવા મળે છે પરંતુ તેના આ ત્રણ પાયાની એકતા તરત જ દેખાઈ આવે તેવી છે. પાશ્ચાત્ય જીવનશૈલીના પ્રભાવમાં યુવાપેઢી પોતીકાં ઉત્સવોને અને તેના આદર્શોને વીસરી ન જાય તેવા ઉમદા હેતુ સહ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી અમદાવાદમાં જોવા મળી હતી. શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હરિ ઓમ શ્રી પરિવાર દ્વારા કરાયેલી અનોખી ઉજવણીએ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના શાંત પ્રાકૃતિક વાતાવરણમાં યોજાયેલી બે દિવસીય મકરસંક્રાંતિ પર્વની ધ્યાન યોગશિબિરની આ એમ તો સાતમી કડી હતી. પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રોમાં વર્ણવાયેલાં જપતપવ્રત અને મંત્રો સાથે થતી આ શિબિરમાં ભાગ લેવા સ્થાનિક સહિત ઓસ્ટ્રેલિયાથી પણ યુવાનો, બાળકો આવ્યાં હતાં.

દર વર્ષે વિશેષપણે આ શિબિરમાં ભાગ લેવા આવતાં પરેદશવાસી ભારતીય યુવાવર્ગની આ પ્રકારના ઉપક્રમમાં હાજરી હોવી અને શ્રદ્ધાભાવ સાથે ભાગ લેવો નવી પેઢીમાં પણ ભારતીયતાની સુગંધ જળવાઈ હોવાનું સુંદર ઉદાહરણ પુરું પાડે છે.

બ્રાહ્મમૂહૂર્તમાં સ્નાનાદિથી પરવારી સંપૂર્ણ પવિત્રતા જાળવી આબાલવૃદ્ધ ખુલ્લાં નભમાં મકરસંક્રાંતિના પવિત્ર દર્શન માટે મંત્રજાપ સાથે આસનસ્થ થઈ ગયાં હતાં. અંધકારમાં દીપપ્રકાશના દ્રશ્યો મનોરમ્ય વાતાવરણ સર્જી રહ્યાં હતાં.

મકરસંક્રાતિને લઇને દાનપ્રવૃત્તિમાં ઉત્તમ પ્રવૃત્તિ લેખે થેલેસેમિયા પેશન્ટ બાળકો માટે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું. કુલ 42 બોટલ રકતદાનમાંથી સિવિલ હોસ્પિટલના એવા બાળકો હોય છે કે જેમાં અન્ય રાજ્યોમાંથી પણ આર્થિકપણે ખર્ચો વહન કરવા મજબૂર માતાપિતાના થેલેસેમિયા પેશન્ટ એવાં લગભગ 120 બાળકોને વિવિધ ઘટકો સાથે આ રક્તદાનનો લાભ મળશે.

મકરસંક્રાંતિમાં તલગોળની ચીકી, બોર, શેરડી વગેરે ખાવાનું ખૂબ જ ચલણ છે તેની પાછળ આરોગ્ય સુખાકારી જાળવવાનો હેતુ છે. આ હેતુ પાર પાડતાં હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યોએ પોતાના ઘેર બનાવેલી પૌષ્ટિક ચીકીઓ અને શિબિર દરમિયાન સ્વહસ્તે બનાવેલા વિશેષ ઉતરાયણ પર્વે જ ખવાતાં ખીચડાંની મોજ પણ માણી હતી. આજના ન્યૂક ફેમિલીના ટ્રેન્ડમાં સંપસ્નેહ અને ભાઈચારાની ભાવના અળપાતી જઇ રહી છે ત્યારે અહીં મુંબઈ, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, દીવ, જેવા સ્થળો અને ઓસ્ટ્રેલિયાથી આવેલ સદસ્યોની સ્નેહસભર અને સુમેળભરી ઉપસ્થિતિ જાણે સૂર્યદેવને મકરસંક્રાંતિએ ભારતીય સંસ્કારિતાના ઉજ્જવળ સંસ્કારનો અર્ઘ્ય અર્પણ કરી રહી હતી.