142 રથયાત્રાઃ આ વર્ષે 16 ગજરાજ ભાગ લેશે, સુરક્ષા સહિતની જાણો અન્ય માહિતી

અમદાવાદઃ 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આગામી ચાર જુલાઈના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને લઈને સુરક્ષા, પ્રસાદ, રથયાત્રાનો રુટ, ભજન મંડળીઓ સહિતની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આવો રથયાત્રાની કેટલીક ખાસીયતો પર નજર કરીએ.

142 વર્ષમાં પ્રથમવાર ભગવાનના વસ્ત્ર-અલંકાર અને નિજ મંદિરનું મામેરું શાહી ઠાઠ સાથે મંદિરમાં આવ્યું હતું. આ અંતર્ગત સૌ પ્રથમ ગજરાજ ધજા-દંડ-નિશાન-છત્ર સાથે મામેરુ નિજ મંદિર આવ્યું હતું. બેન્ડવાજા, રાસમંડળી, સાથે તેના દર્શન થયા હતા. સાથે જ નિજ મંદિરમાં બિરાજમાન બધા જ ભગવાનના શણગાર પણ બળદગાડામાં લાવવામાં આવ્યા હતા.

મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીએ મને સંકેત કર્યો કે આ રીતે નિજ મંદિરનું મામેરુ ખૂબ જ શાહી ઠાઠ સાથે લાવવામાં આવે તો સારુ ંઅને તેજ મુજબ આ વર્ષે અમાસથી લઈને અષાઢ સુદ ત્રીજ સુધીના વસ્ત્ર-અલંકાર, નિજ મંદિરના મામેરાના દર્શન આ રીતે ખૂબ દબદબાભેર કરવામાં આવ્યું.

ભારતમાં જગન્નાથપુરી અને અમદાવાદમાં નિકળતી જગતના નાથની રથયાત્રા જગપ્રસિદ્ધ છે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ પ્રેમ, ભક્તિ, સદભાવના, ભાઈચારા સાથે જોડાય છે. રથયાત્રા ભારતીય લોકસંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતીક છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે જળયાત્રા યોજાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યપ્રધાન મંગળા આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપે “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.

સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ વર્ષમાં એક દિવસ અષાઢી બીજનો હોય છે કે જ્યારે સ્વયં જગતના નાથ ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન આપવા માટે તેમના ઘર સુધી જાય છે. પોતાના આંગણે આવેલા જગતના નાથના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. અને જગતના નાથની એક ઝલક મળી જાય તો જીવન ધન્ય બની જાય તેવી શ્રધ્ધા તેમની હોય છે. આ રથયાત્રા દરમિયાન મગ, જાંબુ, કેરી, કાકડી, દાડમ, તેમજ મગનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. મામાના ઘરેથી પર આવ્યા બાદ મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.

રથયાત્રાના દિવસે સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવે છે. મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને વિશિષ્ઠ ભોગ ધરાવવામાં આવે છે. આ ભોગમાં ખીચડી, કોળા. ગવારફળીનું શાક અને દહીં હોય છે. ત્યારબાદ વિધિનો ક્રમ પૂર્ણ થયા બાદ ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે રથમાં બેસાડવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન પહિંદ વિધિ કરે છે. અને ત્યાર બાદ શરુ થાય છે જગતના નાથની રથયાત્રા.

30 હજાર કિલો મગનો પ્રસાદ

 • મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ.
 • સવારે 4:30 વાગ્યે ભગવાનને ભોગ ધરાવાશે.
 • ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક, અને દહીંનો ભોગ ધરાવાશે.
 • રથયાત્રા દરમિયાન બે લાખ ઉપરણા અને 30 હજાર કિલો મગનો પ્રસાદ વહેંચાશે.
 • પ્રસાદમાં મગ, જાંબુ, દાડમ અને કેરી ભક્તોને આપવામાં આવશે.

 

બુધવારે થશે ભગવાનના રથનું પૂજન

 

 • અષાઢ વદ એકમ અને 3 જુલાઈના રોજ ભગવાન સોના વેશ ધારણ કરશે. ભગવાનના આ દિવ્ય સ્વરુપના દર્શનનો લહાવો ભક્તોને સવારે 8 વાગ્યાથી મળશે.
 • બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ થશે.
 • સાંજે ચાર વાગ્યે શહેર શાંતિ સમિતિની મુલાકાત થશે.
 • સાંજે 6 વાગ્યે મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં આવશે.
 • વિશિષ્ઠ પૂજા અને આરતી થશે.
 • રાત્રે 8 વાગ્યે ભગવાનની મહાઆરતી થશે.

 

ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ

સવારે 7        વાગ્યેઃ         જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન કરશે

સવારે 9        વાગ્યેઃ         મ્યૂનિસિપલ કોર્પોરેશન

સવારે 9:45   વાગ્યેઃ        રાયપુર ચકલા

સવારે 10:30 વાગ્યેઃ       ખાડીયા ચાર રસ્તા

સવારે 11:15 વાગ્યેઃ       કાલુપુર સર્કલ

બપોરે 12:00 વાગ્યે:      સરસપુર

બપોરે 01:30 વાગ્યેઃ      સરસપુરથી પરત

બપોરે 02:00 વાગ્યેઃ      કાલુપુર સર્કલ

બપોરે 02:30 વાગ્યેઃ      પ્રેમ દરવાજા

બપોરે 3:15   વાગ્યેઃ      દિલ્હી ચકલા

બપોરે 3:45   વાગ્યેઃ      શાહપુર દરવાજા

બપોરે 4:30  વાગ્યેઃ       આર.સી.હાઈસ્કૂલ

સાંજે   5:00  વાગ્યેઃ       ઘી કાંટા

સાંજે 5:45    વાગ્યેઃ       પાનકોર નાકા

સાજે  6:30   વાગ્યેઃ       માણેક ચોક

રાત્રે   08:30 વાગ્યેઃ      રથયાત્રા નિજ મંદિર પરત ફરશે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]