અમદાવાદઃ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરુ

અમદાવાદઃ અષાઢી બીજ એટલે એક એવો પવિત્ર અને અલૌકિક દિવસ કે જ્યારે જગતનો નાથ જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ પધારે છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજાતી જગતના નાથ જગન્નાથની રથયાત્રાનું ઘણું જ મહત્વ છે. અષાઢી બીજના આ પવિત્ર પર્વને લઈને અમદાવાદના જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓને આપવામાં આવતા ઉપરણાંની તૈયારીમાં હાલ મંદિરના સેવકો લાગી ગયા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરે ચાલી રહેલી આ તૈયારીઓ કંઈક ખાસ છે. અષાઢી બીજનો આ પવિત્ર અવસર એવો છે કે જ્યારે સ્વયં ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈને ભક્તના આંગણે જાય છે. ત્યારે આ રથયાત્રાની તૈયારીઓ મંદિરમાં ચાલી રહી છે. હજારો મીટર કાપડમાંથી ઉપરણા તૈયાર કરવાના કામમાં જગન્નાથ મંદિરના સેવકો લાગી ગયા છે. આ ઉપરણા રથયાત્રામાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

કહેવાય છે કે ભગવાન જગન્નાથજી જ્યારે મામાના ઘરે જાય છે. ત્યારે ભગવાનને આંખો આવી જાય છે. અને તેમને સાજા કરવા માટે આંખે પાટા બાંધવામાં આવે છે. અને એ પાટા ઉપરણાના સ્વરુપે રથયાત્રામાં ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. રથયાત્રા નજીક આવતા જગન્નાથજી મંદિરે તૈયારીઓનો ધમધમાટ શરુ થઈ ગયો છે. અને જગન્નાથજી મંદિર હાલ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અને અદભૂત ભક્તિમય વાતાવરણ મંદિરમાં સર્જાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]