અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પહેલા સૂકી રહેતી, છેલ્લાં કેટલા વર્ષોથી નર્મદાના નીરને કારણે સજીવન થઇ ગઇ છે. રિવરફ્રન્ટને કારણે નદી વધારે રળીયામણી લાગે છે.
બીજી તરફ દેશની તમામ નદીઓ સ્વચ્છ રહે એ માટે વિશેષ ઝૂંબેશ ચાલી રહી છે. કારણ તમામ નદીઓ-તળાવ-સમુદ્ર કાંઠે કચરાના ઢગ વધતાં જ જાય છે. ધર્મપ્રેમી પ્રજા પૂજાપાનો સામાન, ઘરના વધારાના-જૂના ભગવાનના ફોટા-મૂર્તિઓ, ખંડિત થયેલી મૂર્તિ-તસવીરો નદીમાં પધરાવી દેતી હોય છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકો કચરો તેમ જ પૂજાવિધિની સામગ્રી નદીમાં છુટ્ટી ન ફેંકે એ માટે કળશ મુકાવામાં આવ્યાં હતાં. આ કળશ પાસે કર્મચારીઓ પણ બેસાડવામાં આવ્યાં હતાં. જે કળશ ભરાઇ જાય પછી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવતો હતો. હાલ સાબરમતી નદીના બ્રિજ પર કળશ રહ્યાં નથી. પૂલોની ફૂટપાથ પર કર્મચારીઓ કચરાની કોથળીઓ સાચવીને બેઠેલા નજરે પડે.
કોર્પોરેશન દ્વારા જ્યારે કળશ મુકવામાં આવ્યાં ત્યારે સત્તાધીશોએ લોકોને ધાર્મિક આસ્થા સાથે જોડી સ્વચ્છતા રાખવા પ્રયત્ન કર્યો. તો અત્યારે તમામ પુલો પર નાના અને નવા બેનર્સ જોવા મળી રહ્યાં છે, જેમાં જીવદયા રાખવા માટે વિનંતી કરાઇ છે.
“નદીમાં કચરો ફેંકશો નહી, તે ઘણી માછલીઓનું ઘર છે, તેમના પ્રત્યે માયાળુ બનો” આ પ્રકારના સ્લોગન સાથેના બેનર અત્યારે અમદાવાદના પુલો પર મુકવામાં આવ્યા છે.
અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતી અને અંગ્રેજીમાં માછલીઓના નામે નદીમાં સ્વચ્છતા રાખવાનો સૂચના-સંદેશ કેટલો પરિણામ લક્ષી બની રહે છે તે તો આવનારા દિવસો જ બતાવશે.
(તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)