નિકોલનું મેદાન કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું, હાર્દિકને થશે મુશ્કેલી

અમદાવાદ– 25 ઓગસ્ટથી પાટીદાર નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ આદરવાના છે. તેમના કાર્યક્રમ સ્થળમાં ફેરફાર થઇ શકે છે કારણ કે હાર્દિક દ્વારા જે સંભવિત સ્થળે ઉપવાસ કરવાનું આયોજન હતું તે સ્થળ, નિકોલના એ ગ્રાઉન્ડ જ્યાં હાર્દિકે સભા કરી હતી તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “પાર્કિંગ ઝોન” જાહેર કર્યું છે.

એએમસી દ્વારા આ સ્થળે ‘ફ્રી પાર્કિંગ પ્લોટ’ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાલમાં ગુજરાત વડી અદાલતના આદેશને અનુસરીને અમદાવાદમાં ગેરકાયદે દબાણો અને ટ્રાફિક નિયમનની કામગીરી ભારે જોરશોર અને સફળતાપૂર્વક ચાલી રહી છે.

પાસના પ્રવકતા નિખિલ સવાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આ સરકારની તાનાશાહીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. પાસ ટીમે આમરણાંત ઉપવાસ માટે માંગેલ ગ્રાઉન્ડ જનરલ ડાયરના કહેવાથી કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું. અચાનક કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટના બોર્ડ માર્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છે કે પરમિશનની પાટીદાર સમાજને કાઈ જરૂરિયાત નથી. હાર્દિક પટેલના એક અવાજ પર અમે રસ્તા પર આમરણાંત ઉપવાસ કરીશુ.પછી કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ થશે તેની જવાબદારી ગૃહપ્રધાનની રહેશે.