રણદીપ સુરજેવાલાને એડીસી બેંક માનહાની કેસ મામલે રાહત

અમદાવાદઃ એડીસી બેંક માનહાની કેસ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને બુધવારના રોજ મેટ્રોપોલિટન કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટમાં સૂરજેવાલાએ પોતાને નિર્દોષ ગણાવ્યા, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષી તેમના જામીન બન્યા. કોર્ટે 15000 રુપિયાના બોન્ડ પર સુરજેવાલાને જામીન આપ્યા છે. આ મામલે હવે પછીની સુનાવણી 15 ફેબ્રુઆરી, 2020 ના રોજ થશે.

ગત મુદતમાં મેટ્રો કોર્ટે સુરજેવાલા વિરુદ્ધ બેલેબલ વોરન્ટ જારી કર્યું હતું. ત્યારે મુદત દરમિયાન તેઓ હાજર ન રહેતા બેલેબલ વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં હાજરી આપવા માટે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ પોતાના નિવેદનમાં સરકારને એનઆરસી મુદ્દે આડે હાથ લેતા કહ્યું હતું કે, યુવાનો સરકારના કાયદા પ્રત્યે વિરોધ કરી રહ્યા છે. મોદીની ડિક્ષનરીમાં પાકિસ્તાન અને મુસ્લિમો આ બે જ શબ્દો છે. આ બે મુદ્દા નીકળી જાય તો મોદી સરકાર પાસે બીજું કંઈ જ નથી. અમિત શાહના ભાષણોની યુવાનોને જરૂર નથી. યુવાનોને નોકરીની જરૂર છે. યુવાનોને મોંઘવારીની બંદીમાંથી મુક્ત કરવાની જરૂર છે. જ્યારે ચૂંટણી હારવા લાગે છે ત્યારે હિન્દુ-મુસ્લિમ અને ભારત-પાકિસ્તાન સરકારને યાદ આવે છે. જંગલ, જમીન અને હક સરકાર લઈ રહી છે, એ બાબતે સરકાર કોઈ વાત નથી કરતી.

એડીસી બેંક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27મી મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવામા આવ્યો હતો. અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્વિટમાં એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી. જે વાંચીને અમે અમારુ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.

એડીસી બેંકના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ  સુરજેવાલાએ એડીસી બેન્ક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. એટલું જ નહિ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.

નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, એડીસી બેંકે 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ એડીસી બેન્કના નિર્દેશક હોવાથી માત્ર પાંચ દિવસમાં 11 જિલ્લાની એડીસી બેન્કમાં 3118 કરોડ રૂપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી.