અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો, 21 માર્ચે દોડશે આ સમય પર…

અમદાવાદ- મેગાસિટી અમદાવાદની મેટ્રો ટ્રેઈન દસ દિવસની નિઃશુલ્ક સેવાઓ બાદ નિયમિતપણે દોડતી થઈ ગઈ છે. વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી સાડા 6 કિલોમીટર રુટ પર રોજિંદી દોડી રહેલી મેટ્રોમાં હજારો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં છે.

ત્યારે અમદાવાદ મેટ્રો તરફથી શહેરીજનો માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે. અમદાવાદ મેટ્રોએ એક સૂચના જારી કરીને જણાવ્યું છે કે ધૂળેટીના દિવસે, 21મી માર્ચના રોજ અમદાવાદ મેટ્રોની સમયસારણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.અમદાવાદ મેટ્રો પ્રશાસનના જણાવાયા અનુસાર 21મીએ બપોરના અઢી વાગ્યાથી રાતના સાડા આઠ વાગ્યા સુધી સેવા આપશે.

આ ફેરફાર માત્ર એક દિવસ માટે જ છે, બીજા દિવસે 22મીથી નિયમિત ધોરણે સવારના 11થી સાંજના પાંચ કલાક સુધી યથાવત રહેશે.