ચૈત્રી નવરાત્રિઃ ભાવિક ભક્તોએ કર્યાં ઘટસ્થાપન, જામશે ગરબા-સત્સંગ આરાધના

અમદાવાદ– આજે ચૈત્રી સુદ એકમની તિથિએ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં માતાજીના વિવિધ મંદિરો સહિત ગુજરાતની પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, બહુચરાજી સહિતના મંદિરોમાં અનોખા ભાવભર્યાં વાતાવરણમાં ધાર્મિક વિધિ સહિત ઘટસ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં જ્યારે નવરાત્રિ ઉજવણીનો ખૂબ જ આગવો મહિમા છે ત્યારે ભક્તજનો દ્વારા પૂર્ણ શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે નવરાત્રિ આરાધનાનો પ્રારંભ થયો છે.નવરાત્રિના પ્રથમ દિવસે મા આદ્યશક્તિની આરાધના માટે કરવામાં આવતી વિવિધ ધાર્મિક વિધિઓમાં જવારા વાવવા, ઘટસ્થાપના,આનુષ્ઠાનિક જપતપ અને ઘણાં ભક્તો આખી નવરાત્રિ દરમિયાન ફળાહારી ઉપવાસ પણ કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવરાત્રિના નકોરડા ઉપવાસ કરે છે.

ચૈત્રી નવરાત્રિનું આદ્યાત્મિક આત્મજાગરણમાં ખૂબ મહત્ત્વ હોવાનું માનવામાં આવે છે. ત્યારે ભક્તો એકાંતમાં રહીને પણ આરાધના કરતાં હોય છે. તો ભક્તમંડળોમાં પણ નવરાત્રિને લઇને અલગઅલગ કાર્યક્રમો યોજાતાં હોય છે. માતાજીના ભક્તો તેમની શ્રદ્ધાને શિખરે ચડાવતાં મંદિરોમાં ધજા ચડાવવા પગપાળા ચાલીને પણ જતાં હોય છે.અમદાવાદના સીટીએમ સ્થિત શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નવદુર્ગા મંદિરમાં હરિ ઓમ શ્રી મંડળના ભક્તજનોએ આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે પહેલાં મુહૂર્તમાં ગરબાનું પૂજન, જવારા વાવવા અને ઘટસ્થાપના કાર્યક્રમ રંગેચંગે સંપન્ન કર્યાં હતાં. જેમાં આબાલવૃદ્ધ સૌએ ભક્તિભાવ ભર્યાં હૈયે ભાગ લીધો હતો. મંડળ દ્વારા સમગ્ર નવરાત્રિ દરમિયાન રાત્રે ગરબા અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવે છે.નવરાત્રિ અવસરે ઘટસ્થાપના કરતાં અમદાવાદના ઘોડાસરમાં રહેતાં દીપ્તિબહેન ચનિયારાએ chitralekha.com ને જણાવ્યું હતું કે ઘટસ્થાપનાનું ખૂબ જ ઊંડું રહસ્ય છે સમસ્ત સૃષ્ટિની સંરચના બ્રહ્માજીએ કરી હતી અને આપણે ગરબો સજાવીએ છીએ તેનામાં દીવો મૂકી સ્થાપના કરીએ છીએ તે વાતનું પ્રતીક છે કે આપણે પણ આપણી પૃથ્વીરુપી ગરબાનું, પર્યાવરણનું રક્ષણ કરીએ તેમ જ અંદરના આત્મપ્રકાશને નિહાળીએ અને આપણાં જીવનના દોષોને દૂર કરી સજાવેલાં ગરબા જેવા સુંદર બનીએ.

તો કેનેડાના કેલગરીથી અને બ્રેમ્પટનથી ખાસ ચૈત્રી નવરાત્રિની ઉજવણી માટે હરિ ઓમ શ્રી પરિવારના મહેમાન બનેલાં શીતલ પટેલ અને હિતૈષા પટેલે chitralekha.com સાથે વાત કરતાં જણાવ્યું હતું. કે આપણી સંસ્કૃતિમાં રહેલાં ઉલ્લાસ અને ઉમંગ સાથે ધર્મ અને આધ્યાત્મિક જીવનના તાણાવાણાં સમજવા અને અનુભવવા માટે અહીં આવીને સત્સંગ દ્વારા અમે જીવનની ધન્યતાનો અનુભવ કરીએ છીએ. વધુમાં, નવરાત્રિ નિમિત્તે ગરબા ખેલવાનો આનંદ અને જીવનને બે મૂઠી ઊંચાઈએ લઇ જતાં સત્સંગ સાથે નવરાત્રિમાં મા મહાદેવી આદ્યશક્તિની આરાધનાનો આનંદ બંને અમને અહીં મળે છે તેનો ખૂબ જ આનંદ છે. અમે અવારનવાર ફક્ત આ નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિમાં હરિ ઓમ શ્રી પરિવારના કુટુંબસહ રમાતાં ગરબા રમવા કેનેડાથી અહીં આવીએ છીએ અને હરિ ઓમ શ્રી પરિવારના મહેમાન બનીએ છે. હકીકતમાં તો તેમની સાથે અમે એટલાં ભળી ગયાં છીએ કે અમને યાદ જ નથી રહેતું કે અમે અમારા ઘરમાં નથી.

તો આજે નવરાત્રિ ઉપરાંત મહારાષ્ટ્રમાં નવા વર્ષ તરીકે જાણીતા ગૂડીપાડવા દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ મરાઠી પરિવારો પોતાના ઘેર ગૂડીની સ્થાપના કરી પરંપરાગત ઉજવણી કરી રહ્યાં છે. આજે સિંધી ભાઈબહેનો ઝૂલેલાલનો પ્રાગટ્ય દિવસ પણ મનાવી રહ્યાં છે અને અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં સરદારનગર, કુબેરનગર વિસ્તારમાં આગવો આનંદભર્યો માહોલ જોવા મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]