આ તો મંદિર કે પછી રિઝર્વ બેંકનો પ્રિન્ટીંગ પ્રેસ?: કહેવાતા સ્વામીની ધરપકડ

અમદાવાદ: રાજ્યમાં નકલી નોટ છાપીને તેમને ચલણમાં મુકવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમે વડતાલ સંસ્થાના ખેડા જીલ્લામાં અંબાવગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાંથી એક કરોડથી વધુની 2000ની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. સાધુ રાધારમણ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મંદિરમાં કલર ઝેરોક્ષ મશીન અને લેઝર કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવામાં આવતી હતી. અને કોઈને શંકા ન જાય એટલા માટે પ્રસાદના બોક્સમાં આ નકલી નોટોની હેરાફેરી કરવામાં આવતી હતી.

સાધુ રાધારમણ સ્વામીના રૂમમાં પ્રવિણ જેરામ ચોપડા અને તેમનો પુત્ર કાલુ પ્રવિણ ચોપડા આ નકલી નોટો છાપતા હતા. ત્યારબાદ 2000ના દરની નોટો છાપી પ્રસાદના નામે બોક્ષમાં પેક કરી પ્રવીણનો પુત્રો કાપડની થેલીમાં લઈને સુરત આવતો હતો. ખેડાથી તે ટ્રેન અથવા તો પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હતા. ક્રાઇમબ્રાંચના ડીસીપી રાહુલ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

નકલી નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડીયા અને રાધારમણ સ્વામીની ધરપકડ કરી છે. જ્યારે પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ પ્રવિણ ચોપડા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યા છે. જે સ્વામિનારાયણ મંદિરમાં નોટો છપાતી હતી તેના પર વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિર એવું લખેલું છે, જોકે વડતાલ મંદિર ટ્રસ્ટે આ મંદિર સાથે પોતાને કોઈ લેવા દેવા ન હોવાનું કહ્યું છે. 2005માં અમરનાથ હુમલામાં દેવસ્વામીનું મોત થતાં રાધારમણ સ્વામીએ મંદિર પર કબજો જમાવી દીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, આ સમગ્ર નેટવર્કમાં જિલ્લાના અન્ય કેટલાક લોકોની પણ સંડોવણી છે. આ લોકો દ્વારા બજારમાં નકલી નોટ ઘુસાડવાનું એક આયોજનબધ્ધ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જેમાં 50 ટકામાં નોટ આપવામાં આવતી હતી. રૂ. 1 લાખની ચલણી નોટ માટે 50 હજાર ચૂકવવાના હોવાથી, મિટીંગ કરીને ડિલિંગ કરવામાં આવતું હતું. આ નેટવર્કમાં કેટલાક ફોલ્ડર પણ રાખવામાં આવ્યા હતા જે લોકો ખાનગી રીતે શિકારને શોધી લાવી, લાલચ આપી અને ડુપ્લિકેટ નોટની ડીલ ફાઇનલ કરી આપતાં હતા. જે રીતની ડીલ હોય તે મુજબ નોટ છાપવામાં આવતી હતી.

ગુજરાતના જૂદા-જૂદા શહેરોમાં નકલી નોટ છાપાવાના આરોપમાં પ્રવીણ ચોપડાની 10 વખત ધરપકડ થઈ ચૂકી છે. રાજસ્થાન અને મુંબઈ પોલીસે પણ તેમની નકલી નોટ મામલે ધકપકડ કરી હતી. પુછપરછમાં સામે આવ્યું કે, થોડા મહિનાથી પ્રવીણ ચોપડાનું સ્વામીનારયણ મંદિરમાં આવવા જવાનું વધી ગયું હતું. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમના પર નજર રાખી રહી હતી. પોલીસે દિલીપ ચોરડવડીયાવે નકલી નોટ સાથે ધરપકડ કરી અને તેમની પુછપરછમાં પાક્કી જાણકારી મળ્યા બાદ જ પોલીસે મંદિરમાં દરોડા પાડ્યા.

સાધુ રાધારમણ સ્વામી મૂળ મહારાષ્ટ્રનો વતની છે. 1991માં તે સંસાર છોડી દઈ સાધુ બની ગયો હતો. ખેડા જિલ્લાના અંબાવ ગામે સ્વામિનારાયણ મંદિરમાં સાધુ રાધારમણ સ્વામી છેલ્લા 15 થી 20 વર્ષથી રહેતો હતો. જે જગ્યા પર તે રહેતો હતો, તે જગ્યા પણ વિવાદિત હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.