સરકારે તોડી ચૂપકીદીઃ આગામી સત્રમાં રજૂ થશે દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ રીપોર્ટ

ગાંધીનગર- રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકારે ચૂપકીદી તોડી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા સત્રમાં દીપેશ-અભિષેક અપમૃત્યુકેસમાં થયેલી તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવશે.આ વર્ષે બજેટ સત્ર દરમિયાન આ રીપોર્ટ રજૂ કરવા મામલે પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્ન ઉઠાવાયો હતો અને ચર્ચા પણ થઇ હતી. જોકે રીપોર્ટ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી ન હતી.

2013માં ત્રિવેદી પંચે 2013માં સોપ્યો હતો રીપોર્ટ

અમદાવાદનો મોટેરા સ્થિત આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતાં દીપેશ અને અભિષેક નામના બે પિતરાઈ ભાઈઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યાં હતાં. આ કેસમાં આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં થઇ રહેલી શંકાકુશંકાઓ નિવારવા  સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું. આ પંચે જુલાઇ 2013માં તપાસ અહેવાલ ગૃહવિભાગને સોંપ્યો હતો.