‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત હટાવવા કિંજલને કોર્ટનો આદેશ

અમદાવાદઃ તમે કિંજલ દવેનું પેલું ગીત તો સાંભળ્યું જ હશે “ચાર ચાર બંગડી વાળી ગાડી દઈ દઉ”. સ્વાભાવિત રીતે દરેક ગુજરાતીએ આ ગીતતો સાંભળ્યું જ હોય અને આ ગીત બધાને પસંદ પણ હોય. પરંતુ વીરા વિરલનું આ ગીત અત્યારે 173 મીલીયન વ્યુઝ થયા બાદ વિવાદોમાં ફસાયું છે. 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને વચગાળાનો આદેશ કર્યો છે.

કોર્ટે કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલું આ ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવા પણ આદેશ આપ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીત પર કોપીરાઈટ દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે.

જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા જ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.

કોર્ટે કિંજલ દવેને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.