આ અમદાવાદીએ 26 વર્ષથી ટેક્સ ચોર્યો, નોટબંધીમાં 10 કરોડ જમા કર્યાં, ધરપકડ થઇ

અમદાવાદ- શહેરમાં ટેક્સચોરીનો એક ગજબ કિસ્સો બન્યો છે. આવકવેરા વિભાગે અમદાવાદના પાલડીના ધરણીધર ટાવરમાં રહેતાં મહેશ ગાંધીની ધરપકડ કરી છે. તેમનો 1.4 કરોડ રુપિયાનો ટેક્સ બાકી છે. બિઝનેસમેન મહેશ ગાંધીની ઇન્કમ ટેક્સ એક્ટના શિડ્યૂલ 2 હેઠળ ધરપકડ થઇ છે. આ પ્રકારનો કેસ અધિકારીના જણાવવા મુજબ બે દશકે એકવાર જોવા મળે છે.મહેશ ગાંધીએ 26 વર્ષથી કદી ટેક્સ જ નથી ભર્યો, કે નથી કદી રીટર્ન ફાઇલ કર્યું. 1993-94થી લઇને 2011નો ટેક્સ ભરવા અપાયેલી નોટિસોનો ઓળીયોઘોળીયો કરીની પી જનાર મહેશ ગાંધીએ નોટિસનો જવાબ પણ આપવાની ફિકર કરી નથી. વર્ષો વીતતાં છેવટે વેરાવિભાગે લાલ આંખ કરી છે અને તેમની ધરપકડ કરી છે.

ટેક્સ રીકવરી ઓફિસરને હજુ પણ મહેશ ગાંધીએ પોતાની મિલકતો અને નાણાકીય વિગતો વિશે જણાવ્યું ન હોવાનું બહાર આવ્યું છે. મહેશ ગાંધીએ પોતાના અને પરિવારના સભ્યોના નામે નોટબંધીકાળમાં 10 કરોડ રુપિયા જમા કરાવ્યાં છે. જેની તપાસ ચાલુ છે.

ગાંધી ટેક્સની રકમ ભરી દે અને તપાસમાં સહકાર આપે તો તેમને છોડી મૂકવામાં આવશે. સામાન્યપણે આવકવેરા વિભાગ ભાગ્યેજ ધરપકડનું શસ્ત્ર ઉગામે છે જેમાં આ પ્રકારની ઘટના હોય ત્યારે જ શિડ્યૂલ 2 હેઠળ ધરકપડ કરવામાં આવશે. સખત પગલાં લઇ રહેલો ટેક્સ વિભાગ આવા અન્ય કિસ્સાઓની તપાસ કરી રહ્યો છે અને ટેક્સખોરોની ધરપકડો કરવા તત્પર છે, તેમ આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]