અમદાવાદનો બિલ્ડર મનુ હીરપરા લોકોના નાણાં લઈને ઓસ્ટ્રેલિયા ફરાર

અમદાવાદ- શહેરના એક બિલ્ડરનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અલગઅલગ બે સ્કીમોના નામે થયેલ કૌભાંડમાં પોલિસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, ભોગ બનનાર લોકોએ ખેડૂત અને બિલ્ડર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એક જ ફલેટ અને દુકાનો બે જુદાજુદા લોકોને વેચી દેવાનો આરોપ લાગ્યા બાદ પોલિસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હતી.

ઘરના ઘરનું સપનુ જોઈ અનેક લોકોએ રૂપિયાની બચત કરી બિલ્ડરને આપ્યા પરંતુ બિલ્ડર આ રૂપિયા લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. મનુ હીરપરા લોકોના નાણાં લઈને ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે મનુભાઈ હીરપરાએ વર્ષ 2014માં શ્રીનાથ કન્સ્ટ્રકશન નામ નામે નારાયણ આર્કેડ કરીને એક સ્કીમ બહાર પાડી હતી અને જેમાં અનેક લોકોએ મકાન અને દુકાન બુક કરાવ્યા હતા.પરંતુ આ સ્કીમ પૂરી થવી તો દૂર પણ 3 માળ સુધી પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે ઈન્વેસ્ટ કરનાર લોકો સાથે છેતરપિંડી થઈ છે.

ભોગ બનનાર લોકોનું કહેવુ છે કે મનુભાઈએ અલગ-અલગ 8 ખેડૂતો પાસેથી આ જમીન પર માત્ર બાનાખત કરીને સ્કીમ શરુ કરી દીધી હતી અને ત્યાર બાદ તમામ લોકો પાસેથી રૂપિયા મેળવી ખેડૂત અને મનુભાઈએ આ આખી જગ્યા જતીન પટેલ નામના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી વેંચી નાખી. નોંધનીય છે કે જે દસ્તાવેજો જતીન ભાઈને બનાવી આપ્યા છે તેમાં જે બિલ્ડીંગ ઉભી કરવામાં આવી છે. તેની જગ્યાએ ખાલી પ્લોટનો ફોટો આપવામાં આવ્યો છે. જેથી ભોગ બનનારનું કહેવું છે કે ખેડૂતો અને મનુભાઈ પહેલાથી નક્કી કર્યા બાદ આ કૌભાંડને અંજામ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બિલ્ડર મનુ હીરપરા પર આ સિવાય નારાયણ લોટસ નામની સ્કીમમાં પણ એક જ ફલેટ બે લોકોને વેચવાનો આરોપ સાથે ફરિયાદ દાખલ છે. અને જેમાં એક આરોપી બિપીન પટેલની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે પરંતુ તે છોડાવવા માટે રાજકીય દબાણો શરુ થઈ ગયા છે. પોલિસ સૂત્રોનું કહેવું છે કે બિપીનને મુક્ત કરી દેવા અનેક રાજકીય લોકો પોલીસને ફોન કરી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]