અમદાવાદઃ બિઝનેસમેને બે દીકરી અને પત્નીની ગોળી મારીને કરી હત્યા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ પર એક ચકચારી ઘટના સામે આવી છે. એક બિઝનેસમેને ગોળી મારી પોતાની પત્ની અને બે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. સવારે સાત વાગ્યે આ વ્યક્તિ તેની પત્ની સૂઈ રહી હતી ત્યારે તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ બન્ને દીકરીઓનું ઢીમ ઢાળી દીધું હતું.

પત્ની અને બે દીકરીઓની હત્યા કર્યા બાદ ધર્મેશ નામના આ વ્યક્તિએ પોતે જ પોલીસને અને સગાવ્હાલાંને જાણ કરી હતી. હત્યા કર્યા બાદ આ વ્યક્તિ ઘરનો દરવાજો બંધ કરીને અંદર જ રહ્યો હતો. ઘટનાના એકાદ કલાક બાદ તેણે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસ કન્ટ્રોલ સિનિયર અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે પોલીસ અધિકારીઓ રત્નમ્ ફ્લેટ દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ધર્મેશ શાહે જણાવ્યું કે મારે 15 કરોડ રૂપીયાનું દેવું થઈ ગયું હતું અને એટલે જ મે પરિવારની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આત્મહત્યા કરવાની મારી હિંમત ન ચાલતા મેં અંતે પોલીસને જાણ કરી હતી.

ધર્મેશ શાહે જણાવ્યું કે તેણે 15 કરોડ રૂપીયા પૈકી સાત કરોડ રૂપીયા વિવિધ લોકોના લીધા હતા. જ્યારે આઠ કરોડ રૂપીયા ખાનગી ફાઈનાન્સર પાસેથી લીધા હતા. તેના પરિવારમાં પત્ની અને બે દીકરી હેલી અને દીક્ષા હતા. ધર્મેશ શાહની દીકરી હેલી આર્કિટેક હતી અને વ્યવસાયમાં પિતાને મદદ પણ કરી હતી. જ્યારે બીજી દીકરી દીક્ષા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. ધર્મેશભાઈએ જણાવ્યું કે મારી ઈચ્છા દીકરી દીક્ષાને વિદેશ ભણવા મોકલવાની હતી પરંતુ કરોડો રૂપીયાનું દેવું મારા માથે હોવાથી હું દીક્ષાને વિદેશ મોકલી શકતો નહોતો.

ધર્મેશ શાહે પોલીસ પુછપરછમાં જણાવ્યું કે મારા માથે ચડેલું દેવું કોઈપણ રીતે ઉતારી શકાય તેમ નથી તેમ હું માનવા લાગ્યો હતો. ઘણા દીવસથી મનમાં ચાલી રહેલા ઉકળાટના અંતે મેં પોતાના સાથે આખા પરિવારને ખતમ કરી નાંખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મેં આજે સવારે સાત વાગ્યે પોતાના બેડરૂમમાં સૂઈ રહેલી બે દીકરીઓને પોતાની પાસેની પરવાનગી વાળી રશિયન બનાવટની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ બેડરૂમમાં સૂતેલી પત્ની અમીને ગોળી મારી હતી.

ધર્મેશ શાહે જણાવ્યું કે હું આ ઘટના બાદ પોતે પણ આત્મહત્યા કરવા માંગતો હતો પરંતુ ઘણી હિંમત કરવા છતા પણ મને મારી જાતને ગોળી મારવાની હીંમત ન ચાલી એટલે એક કલાક બાદ સામે ચાલીને પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને હત્યાની જાણકારી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]