અમદાવાદની પાણીપુરી છે ખાવાલાયક, તંત્રનો સેમ્પલ રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ પરની તપાસ કરીને તે ખાવાલાયક છે કે નહી તે માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ જગ્યાએથી પુરી, બટાકા, ચટણી, અને ચણા સહિતની વસ્તુઓના કુલ 21 જેટલા સેમ્પલ ચકાસણી માટે લીધાં હતાં.

આરોગ્ય વિભાગે જે 21 સેમ્પલ તપાસ માટે મોકલ્યાં હતાં તેમાંથી માત્ર ચાર જ સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 21 સેમ્પલ પૈકી કુલ 19 જેટલા સેમ્પલ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

આ રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગત મહિને પાણીપુરીના એકમો પર આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. તેમાં લેવાયેલા વિવિધ 21 જેટલાં સેમ્પલમાંથી માત્ર ચાર જ અખાદ્ય સાબિત થયાં છે.

મહત્વનું છે તંત્ર દ્વારા પાણીપુરીની લારીઓ પર જઈને સડી ગયેલાં બટાકા કેમેરા સામે બતાવીને પાણીપુરીના પાણીના વાસણો રોડ પર જ ઉંધા વાળી દીધાં હતાં. આ દ્રશ્યો જોઈને લોકોને થયું હતું ખરેખર પાણીપુરી તો ક્યારેય ખાવી જ ન જોઈએ. પરંતુ તંત્ર દ્વારા જે સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા તેના પરિણામો આશ્ચર્યજનક આવ્યા છે.

એક પણ પદાર્થ ‘અનસેફ’ જણાયો નથી. આ સિવાય છ પાણીપુરીનું પાણી, સાત બાફેલા ચણા, એક પુરી, બાકીના ચટણીના નમૂના ખાવા માટે યોગ્ય ઠર્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]