અમદાવાદમાં વાયુપ્રદૂષણના આંકડા ભયજનક સપાટીએ

અમદાવાદઃ દિલ્હી બાદ અમદાવાદ પણ હવે પ્રદૂષિત શહેર બની રહ્યું છે. તાજેતરના આંકડાઓ અનુસાર અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં આજે અમદાવાદમાં પ્રદૂષણની માત્રા એર ક્વોલિટી ઈન્ડેકસ અનુસાર 311 રહેવાની આગાહી વ્યક્ત કરી છે. આનો સીધો અર્થ એ થાય કે આ હવા શ્વાસમાં લેવામાં આવે તો તે ખૂબ જ નુકસાન કરી શકે છે. ત્યારે પ્રદૂષણ વધી રહ્યું હોવાથી શહેરની 100 જેટલી ખાનગી શાળાઓમાં લાલ ઝંડી ફરકાવીને વિદ્યાર્થીઓને એલર્ટ આપવામાં આવશે. કારણ કે ખરાબ હવાની અસર બાળકો અને વૃદ્ધો પર તરત જ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રના સફર પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સહયોગથી અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ જાહેર કરાય છે. બુધવારે અને ગુરુવારે અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ દિલ્હી કરતા પણ ભયજનક હોવાનુ ‘સફરે’ જારી કરેલી આગાહીમાં સ્પષ્ટ થયુ છે. પ્રદૂષિત વાતાવરણને જોતા કોર્પોરેશન દ્વારા એક એડવાઈઝરી જાહેર કરાઈ છે. શહેરનું લઘુત્તમ તાપમાન પણ ઘટીને 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે. પરિણામે શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ વધારે જોવા મળે છે. આના કારણે પ્રદૂષિત હવા સ્થિર થાય છે અને પ્રદૂષણની માત્રામાં ગંભીર રીતે વધારો થયો હોવાનુ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

અમદાવાદમાં જો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો શહેરના પીરાણા, નવરંગપુરા, રખિયાલ, અને બોપલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા વધારે હોવાનું સામે આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]