અમદાવાદમાં અલ્પેશ ઠાકોરનો સદભાવના ઉપવાસ શરુ, કોંગી નેતાઓ પણ જોડાયા

અમદાવાદ- ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાને લઈને એક તરફ ભાજપ સરકારે અલ્પેશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યો છે. બીજીતરફ અલ્પેશ ઠાકોર રાજ્યમાં શાંતિ ભાઈચારા માટે આજથી સદભાવના ઉપવાસ શરૂ કર્યો છે. અલ્પેશે રાણીપ ખાતે ઉપવાસ શરૂ કરતા પહેલા ગાંધીઆશ્રમ પહોંચીને બાપુને યાદ કર્યા હતા. અલ્પેશ ઠાકોરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સદભાવના ઉપવાસમાં ઠાકોર સેનાના લોકો, કોંગી નેતાઓ પણ સામેલ થયાં છે.

અલ્પેશ ઠાકોરે રાણીપમાં સદભાવના ઉપવાસ શરુ કરતા સમયે જાહેરાત કરી હતી કે, રાજકારણ છોડવા અંગે મારી સેના અને કાર્યકરો સાથે સતત વાત કરતો રહ્યો છું,મારા કાર્યકરો જે કહેશે એ કરીશ.

આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરપ્રાંતિયો પરના હુમલા બાદ ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિવાદમાં ફસાયા છે. અલ્પેશ ઠાકોર સામે પ્રાંતવાદ ભડકાવાનો આરોપ છે. હવે આ જ અલ્પેશ ઠાકોરે સદભાવના ઉપવાસ શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, હિંમતનગરના ઢુંઢર ગામની એક 14 માસની બાળક પર પરપ્રાંતી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના દિવસો બાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજ્યના 9 જિલ્લામાં પરપ્રાંતીયોને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતા. આમાં સૂકાનાં વાંકે લીલું પણ બળ્યું હોવાનો ઘાટ સર્જાયો હતો અને નિર્દોષો એવા ગરીબ અને મજૂરી કરવા આવેલા પરપ્રાંતીયોને ગુજરાત છોડવાનો વાર આવ્યો હતો. ત્યારે પરપ્રાંતીયોને પાછા લાવવા અને તેમની સાથે સદભાવ કેળવવા અલ્પેશ સદભાવના ઉપવાસ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]