કોર્પોરેશન દ્વારા બે મહિનાના વિલંબ બાદ શહેરમાં જંતુનાશક દવા છંટાશે

અમદાવાદઃ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. આમ તો રોગચાળા પર અંકુશ લાવવા માટે તંત્ર દ્વારા મે માસના પ્રારંભથી જ શહેરમાં તમામ જગ્યાએ જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વર્ષે સત્તાધીશોએ આ માટે 2.28 કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરીને આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી છે.

આ દરખાસ્ત અનુસાર શહેરના મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં એક જ કંપની એવીટ્સ ઈન્ડિયા પેસ્ટ મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ આપવાનો હોઈ વિવાદ સર્જાયો છે. તો એચપીસી કોર્પોરેશનને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનની કામગીરી સોંપાઈ છે. શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ તેના નિયત સમય કરતા બે મહિના મોડો થવાથી તંત્રની કામગીરી વિવાદાસ્પદ બની છે.