રાજ્યમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા…

અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. આખા રાજ્યની વાત કરીએ તો અત્યારે આખું રાજ્ય હીટવેવની સ્થિતીનો સામનો કરી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે પારો 44 ડીગ્રીને પાર પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરીય અરબી સમુદ્રમાં સર્જાયેલા હાઈ પ્રેશરના કારણે એકાએક ગરમીમાં વધારો થયો છે. અત્યારે અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો સરેરાશ 41 ડિગ્રી પાર પહોંચ્યો છે. રાજ્યમાં 44.7 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ નોંધાયું છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં સૌથી વધુ ગરમી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા નાનાં બાળકો, વિવિધ રોગથી પીડાતા વૃદ્ધો અને ક્રોનિક રોગથી પીડાતા લોકોએ બપોરનાં સમયે કામ વગર બહાર ન નીકળવું અને ખાસ ઘ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી સેવા 108માં નોંધાયેલા આંકડાઓ મુજબ ગરમીને કારણે 532 લોકોએ સારવાર લેવી પડી હતી. જેમાં 114 લોકો ગરમીમાં મુર્છિત થઇને ઢળી પડયા હતા. 154 લોકોને પેટનો અસહ્ય દુખાવો થયો હતો. જ્યારે 61 લોકોને છાતીમાં દુખાવો થયો હતો. તમામ લોકોને 108ની મદદથી સમયસર સારવાર માટે લઇ જવાયા હતાં.

108ના અધિકારીઓના જણાવ્યા મુજબ 44 ડિગ્રીએ પહોંચેલા ગરમીના પારાને કારણે હીટવેવને લગતા કેસોની સંખ્યા સામાન્ય દિવસોની તુલનામાં વધી હતી. જેમાં મુખ્યત્વે પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો, બીપી સમસ્યા, નસકોરી ફૂટવી, ચક્કર આવવા, પડી જવું, ઝાડા-ઉલટી સહિતના કેસોની સંખ્યા વધી જવા પામી છે. ગરમીના કારણે આ કેસોના દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવારની જરૂર હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]