સુપ્રીમના નિર્ણય મુજબ પારુલ, રાય અને આરકે યુનિ. કૃષિ કોર્સ કેસમાં કાર્યવાહી થશે

ગાંધીનગર– રાજ્યમાં આવેલી રાય, પારુલ અને આરકે યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઝ દ્વારા અમાન્ય કોર્સ ચલાવવાના મામલે મહત્ત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીએસસી એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર એન્જીનિયરિંગ, બીએસસી હોર્ટિકલ્ચર અને કૃષિ ઈજનેરી ડીપ્લોમા જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમને લઇને આ સમાચાર સામે આવ્યાં છે.

આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓએ કૃષિસંલગ્ન અભ્યાસક્રમ ચલાવવા માટે શિક્ષણવિભાગ કે કૃષિવિભાગની મંજૂરી મેળવી ન હતી છતાં  ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009 હેઠળ માન્યતા ધરાવવાની દલીલ સાથે તે અભ્યાસક્રમો ચાલુ રાખ્યાં હતાં. જેને બંધ કરવા ગુજરાત શિક્ષણવિભાગે તાકીદ કરી હતી જેને ત્રણેય યુનિવર્સિટી સંચાલકોએ અવગણી હતી.

રાય અને પારુલ યુનિવર્સિટી દ્વારા સંબંધિત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી જે સંદર્ભે કોર્ટ દ્વારા અપાયેલાં અવલોકન અને સૂચન અનુસાર રાજ્ય સરકારે કાર્યવાહી કરતાં તેની સામે પણ બંને યુનિવર્સિટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એલપીએ દાખલ કરી સ્ટે મેળવીને અભ્યાસક્રમો ચાલુ રાખ્યાં હતાં.

2018-19માં રાય યુનિવર્સિટીની બીએસસી એગ્રી અને આર કે યુનિવર્સિટીની બી ટેક-એગ્રી એન્જીનિયરિંગની સ્નાતક કક્ષાની પ્રથમ બેચ બહાર પડી ગઈ હતી. તે વિદ્યાર્થીઓ તેમ જ પારુલ યુનિવર્સિટી દ્વારા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અલગઅલગ 6 જેટલી એસસીએ અને એલપીએ અરજી કરવામાં આવી હતી. આ તમામ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી.. જેમાં આ ત્રણ યુનિવર્સિટીઝ  ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ 2004ની કલમ નં-4-4ની જોગવાઈ પ્રમાણે રાજય સરકારની પૂર્વમંજૂરી  ન મેળવી હોઈ અને ઉક્ત અભ્યાસક્રમ ચલાવવા માટે આઈસીએઆરના ધારાધોરણોનો અમલ ન થતો હોવાનું જણાવી હાઈકોર્ટે  30 ઓક્ટોબર 2018ના ચૂકાદામાં ત્રણે યુનિવર્સિટીના અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યાં હતાં.

આ ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને આરકે યુનિવર્સિટીએ સુપ્રીમકોર્ટમાં 4 સ્પેશિઅલ લિવ પિટિશન દાખલ કરી હતી. આ તમામ પિટિશનોને સુપ્રીમકોર્ટે 11 જાન્યુઆરીએ સુનાવણી કરી હતી અને કેટલાક અવલોકનો સાથે અરજીનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના અવલોકનો અનુસંધાને જરુરી કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]