ગાંધીનગર– ગુજરાત જમીન વિકાસ નિગમમાં ACBએ ગુરુવારે સાંજે દરોડો પાડ્યો હતો. જેમાં એસીબીએ જોઈન્ટ ડાયરેક્ટરના ડ્રોવરમાંથી રૂપિયા 40 લાખ રોકડા અને અન્ય છ જેટલા અધિકારીઓ પાસેથી રૂપિયા 16 લાખની રોકડ કબજે કરી છે. આ દરોડામાં એસીબીએ જોઈન્ટ ડાયરેક્ટર સહિત કુલ 7 અધિકારીઓની અટકાયત કરી છે. એસીબીના ઈતિહાસમાં આ સૌથી મોટુ સર્ચ ઓપરેશન મનાઈ રહ્યું છે. આજે શુક્રવારે જોઈન્ટ ડાયરેક્ટર સહિત 7 અધિકારીઓને નિગમની ઓફિસમાં લાવીને પુછપરછ શરૂ કરી હતી, અને હવે આ કેસ આવકવેરા વિભાગે સુપરત કરાશે.
નિગમના અધિકારીઓના પાટણ, હિમંતનગર, ગાંધીનગરમાં આવેલ નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બેંક સ્ટેટમેન્ટ અને બેંક લોકરની તપાસ શરૂ કરાઈ છે. મોટાપાયે ભષ્ટ્રાચારી કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે. તપાસ બાદ આ અધિકારીઓેને કોર્ટમાં રજૂ કરાશે.
ગુજરાત જમીન વિકાસ નિગમમાં વ્યાપક ભષ્ટ્રાચારની અનેક ફરિયાદો મળી હતી. જે પછી ગાંધીનગરની એસીબીની ટીમે સાંજે છ વાગ્યે કચેરીમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન સેકટર-10માં આવેલી નિગમની કચેરી ફરતે કિલ્લેબંધી કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એસીબીની તપાસમાં નિગમના જોઈન્ટ ડાયરેક્ટર કે. સી. પરમારના ડ્રોવરમાંથી રૂપિયા 40 લાખ રોકડા મળી આવ્યા હતા. એસીબીએ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની તપાસ કરી હતી. જેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ફાઈનાન્સ કન્ટ્રોલર સહિત છ અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી કુલ રૂપિયા 16 લાખની રોકડ મળી હતી.જાણવા મળ્યા મુજબ એસીબીના ઈતિહાસનું આ સૌથી મોટુ સર્ચ ઓપરેશન છે. અને વધુ રોકડ રકમ મળી છે. એસીબીને આ રોકડ રકમ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું.
આજે વહેલી સવારથી નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની તપાસનો ધમધમાટ શરૂ થયો છે, આ રોકડ રકમ કયાથી આવી, તમામ અધિકારીઓને સવારે નિગમની કચેરીએ લાવવામાં આવ્યા હતા. જો કે અધિકારીઓ આ રોકડ રકમ અંગે કોઈ જવાબ આપી શકયા ન હતા. આજે સાતેય અધિકારીઓને ઘેર પણ સર્ચ ઓપરેશન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ એસીબીના છટકામાં ઝડપાયા છે. તેમની પુરી તપાસ થશે, અને જે પણ હશે તે બહાર આવશે. કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કેસમાં સ્પેશ્યિલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરાશે. આ ભષ્ટ્રાચારના કૌભાંડમાં ઝડપાયેલા સામે કડક હાથે કાર્યવાહી કરાશે.