મળો, પેપર ક્રાફ્ટની કળાના આ એકલવ્યને….

વડોદરાઃ પાંડવ યુગમાં જન્મેલા એકલવ્યએ દ્રોણને મનોગુરુ બનાવીને તિરંદાજીમાં અર્જુનને બીક લાગે એવી મહારત કેળવી હતી.એકાગ્રતા સાથે કલા સર્જન કરતા અશોક પંચાલે વર્તમાન યુગમાં પણ એકલવ્ય જન્મે એ છેક અશક્ય તો નથી જ એવું પુરવાર કર્યું છે. ઇલેક્ટ્રિક લોકો શેડના સિનિયર ટેક્નિશ્યન તરીકે 36 વર્ષની નોકરી આ મહિને પુરી કરીને નિવૃત થવાના છે એવા અશોકભાઈ એકલવ્યની જેમજ એક કેનેડિયન કલાકારે બનાવેલી પેપર ક્રાફ્ટની કલાકૃતિઓ ચિત્રો જોયા અને નેટ ખંખોળીને અને વિવિધ પ્રયોગો કરીને હેન્ડ મેડ કાગળમાંથી જોતાં જ આશ્ચર્યચકિત થઈ જવાય એવી પેપર ક્રાફ્ટની કલાકૃતિઓના સર્જનની મહારત હાંસલ કરી છે.  કાગળમાંથી તેમણે બનાવેલી અનુપમ શિલ્પો જેવી કલાકૃતિઓના સર્જનમાં ,જે તે કૃતિની માઇન્યુટ ડિટેલ્સ પ્રમાણે સાડા ત્રણ મહિના જેવો દીર્ઘ સમય પણ લાગી જાય છે. અશોકભાઈનું કહેવું છે કે એમના જેવું પેપર ક્રાફ્ટના સર્જનનું કૌશલ્ય ગુજરાતમાં ભાગ્યેજ કોઈની પાસે હશે. આવા અનન્ય કલાકાર આ ભાઈ પર જાણે કે સૃષ્ટિના સર્જક ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ ઉતાર્યા છે. એટલે જ ફાઇન આર્ટસ જેવી કોઈ પણ કલા શિક્ષણ સંસ્થાનું પગથિયું ય ચઢ્યા વગર,કે કોઈ વિધિસરનું કલા શિક્ષણ લીધા વગર એમણે આત્મ પ્રેરણાથી પ્રગટેલી કલા સૂઝ દ્વારા લોખંડના ભંગારમાંથી અનોખા લોહ શિલ્પો સહિત અઢળક કલા સર્જન કર્યું છે.

અનોખો કલા પરિશ્રમ:

  • કેનેડિયન કલાકારની કૃતિઓના ચિત્રો નિહાળી અનોખી પેપર ક્રાફ્ટની કલામાં મહારત કેળવી.
  • હેન્ડમેડ કાગળમાં થી અશોક પંચાલે ઘોડો અને સવાર વાનર માતા અને બાળક ફૂલો માછલીઓ જેવી અનુપમ કલાકૃતિઓનું સર્જન કર્યું છે.
  • કલાનું કોઈ પ્રશિક્ષણ લીધા વગર આ રેલકર્મીએ લોખંડના ભંગારમાં થી અદભુત લોહ શિલ્પો બનાવ્યા છે.
  •   તેમના મત પ્રમાણે એમના જેવી પેપર ક્રાફ્ટની કલા ગુજરાતમાં અન્ય કોઈ જાણતું નથી.

અશોકભાઇના પિતાએ એમણે કર્મયોગનો મંત્ર શીખવાડયો. એમણે અશોકભાઈને કહ્યું કે કામમાં ક્યારેય દિલચોરી ન કરવી. જ્યાં રૂ.100નું મહેનતાણું કોઈ ચૂકવતું હોય ત્યાં એને 102 રૂ.નું કામ આપવું. એટલે અશોકભાઈએ રેલવેની નોકરીની એક મિનિટ કલા સર્જનમાં વાપર્યા વગર,નોકરી પછીના સમય ગાળામાં આ વિપુલ કલા સર્જન કર્યું છે. એમણે બનાવેલું વડોદરા લોકો શેડનું વિશાળ મોડેલ, લોકો શેડના પ્રવેશ દ્વારને શોભાવી રહ્યું છે તો એમની પેપર આર્ટની કૃતિઓ ભવ્ય દીવાન ખંડોની શોભા વધારી રહી છે. રેલવેના વિભાગીય પ્રબંધકે લોકો શેડનું આબેહૂબ મોડેલ બનાવવા માટે એમને રૂ.10 હજારનું ઇનામ આપ્યું હતું.

કલા સર્જન એ કલાકાર માટે નિજાનંદ છે એ વાત અશોકભાઈની કલા સાફલ્ય ગાથામાંથી ફલિત થાય છે.એકલવ્યના ભાઈ જેવા અશોકભાઈ અને તેમની કલા અને સર્જન શક્તિ અનન્ય અને અનુપમ હોવાની સાથે પ્રેરણાદાયી  છે. ભગવાન વિશ્વકર્માના જાણે કે તેમના પર આશીર્વાદ ઉતર્યા છે એટલે તેઓએ લોકોશેડમાં જે આયર્ન વેસ્ટ એટલે કે લોખંડનો ભંગાર પેદા થાય એમાંથી ખૂબ મહેનત, લગન અને એકાગ્રતાથી અદભુત પ્રતિમાઓ બનાવી લોકોશેડના પ્રાંગણમાં જાણે કે શિલ્પ ઉદ્યાન એટલે કે પ્રતિમાઓનો બગીચો ઉછેર્યો છે. અને આ કામગરા કલાકારે સરકારી નોકરીની એક મિનિટ આ કામમાં ખર્ચ્યા વગર,8 કલાકની નોકરી પુરી કર્યા પછી ખૂબ ખંતથી આ સર્જન કાર્ય કર્યું છે.

તેમણે તેમના સહ કર્મચારીઓની ટીમની મદદથી ગણેશજી, બે કાગડાની જોડી સહિત પંખીઓ, કલાત્મક દરવાજા સહિત અનેક કલાકૃતિઓ સર્જી છે. હાલમાં તેઓ હનુમાન દાદાની 7 ફૂટની વિશાળકાય અને આદમકદની પ્રતિમાનું સર્જન કરી રહ્યા છે. નિવૃત્તિની ઉંમરે એકદમ સ્વસ્થ અને તાજગીથી ભરેલા અશોકભાઈએ કલાનું કોઈ વિધિવત શિક્ષણ લીધું નથી, પરંતુ તેમની કલાકૃતિઓ તેમની કોઈ પણ પ્રતિષ્ઠિત ફાઇન આર્ટસ કોલેજના ક્લાગુરુની બરોબરી કરવાની ક્ષમતાના દર્શન કરાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]