ગણિતને ગમાડી દે તેવું પુસ્તક, ધો. 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ મદદગાર

ભૂજ- ધોરણ 10માં આ વર્ષે ગણિતનું પેપર વિદ્યાર્થીઓ માટે ખૂબ અઘરું બની રહ્યું હતું, તેવું જ પેપર કદાચ ભવિષ્યમાં આવે તો તે અઘરું નહીં લાગે, જો આ પુસ્તક વાંચ્યું હશે. ભૂજના ગણિત શિક્ષિકા દ્વારા લિખિત ‘ગણિત ગમે છે’ પુસ્તક એવું બન્યું છે કે તેને સરકારના સૌજન્યથી પબ્લિશ કરવામાં આવ્યું છે.ભૂજની માતૃછાયા કન્યા વિદ્યાલય છેલ્લાં ૨૦ વર્ષથી ગણિત અને વિજ્ઞાનના મદદનીશ શિક્ષિકા તરીકે કાર્યરત જાગૃતિબહેન રસિકલાલ વકીલ દ્વારા પુરસ્કૃત થયેલ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સૌજન્યથી ધો.૧૦ બોર્ડના નબળા વિદ્યાર્થીઓને પાસ થવા અત્યંત ઉપયોગી એવા ‘ગણિત ગમે છે’ પુસ્તકનું તાજેતરમાં ગાંધીનગરમાં  શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કૃષિપ્રધાન આર.સી.ફળદુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

એસ.એસ.સી. બોર્ડની લેવાનાર પુરક પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષા આપનાર  રાજ્યના પુરક પરીક્ષાર્થીઓને પાસ થવા માટે મદદરૂપ થશે. શિક્ષણપ્રધાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જાગૃતિબહેન વકીલના ૨૦ વર્ષના શિક્ષણના નીચોડરૂપે પુસ્તક તૈયાર કરી ગુજરાતના રીપિટર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સુપરત કર્યુ છે તે ભાવનાને શિક્ષણના સીમાચિન્હ ગણાવી હતી.

જાગૃતિબહેન છેલ્લાં ૨૦ વર્ષોથી માતૃછાયામાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવે છે અને ૨૦૧૬માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂ્ક્યાછે. એ ઉપરાંત પણ સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ, રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક, નેશનલ બિલ્ડર એવોર્ડ, ડોટર ઓફ ગુજરાત, નારી શૌર્ય શક્તિ જેવા અનેક એવોર્ડ મેળવી ચૂ્ક્યાં છે. સાથે અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાં અત્યંત વ્યસ્ત સમય વચ્ચે બાલદેવો ભવની ભાવના તેમના નસેનસમાં વહે છે ત્યારે શિક્ષણના તેમના ૨૦ વર્ષોના અનુભવના નીચોડરૂપ આ પુસ્તિકાથી અનેક બાળકોને ફાયદો થયો છે અને હજુ વધુ થશે.

જાગૃતિબહેને રાજ્ય સરકારના નિર્ણય માટે આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, બહુ નજીકના ભવિષ્યમાં આ પુસ્તિકામાં ગણિત સાથે વિજ્ઞાન વિષયને પણ સાંકળી લેશે.