ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ઉત્તરાયણ પછી મળશે

અમદાવાદ– ગુજરાત વિધાનસભાનું સત્ર ઉત્તરાયણ પછી મળશે, આ વિધાનસભા સત્રની તારીખની સત્તાવાર જાહેરાત થઈ નથી, પણ બે દિવસનું સત્ર મળશે, તેમ જાણકાર સુત્રો કહી રહ્યા છે. બે દિવસના સત્રમાં નવા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે અને આ શપથવિધિ 25 જાન્યુઆરી પહેલા યોજાઈ જશે.18 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા, ત્યાર બાદ કેબિનેટની રચના થઈ, કેબિનેટકક્ષાના પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનો શપથવિધિ રંગેચંગે યોજાઈ ગઈ હતી, પણ નવા ધારાસભ્યોની શપથવિધિ કયારે થશે, તે પ્રશ્ન વારંવાર ગાંધીનગરમાં ચર્ચાતો હતો. નવા ધારાસભ્યો પણ એક બીજાને પુછતા હતા, કે આપણી શપથવિધિ કયારે, પ્રધાનમંડળનું વિસ્તરણ કયારે થશે, નારાજ ધારાસભ્યોને ન્યાય કયારે મળશે. પણ હાલ કમુરતા ચાલતા હોવાથી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખે નવી શપથવિધિની તારીખ જાહેર કરી નથી. 14 જાન્યુઆરીએ કમુરતાની સમાપ્તિ થઈ જશે, પછી બે દિવસનું વિધાનસભાનું સત્ર મળશે, તેવું જાણવા મળી રહ્યું છે.

ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલએ જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી પછી દરેક વિભાગો સાથે ગુજરાતના બજેટ બાબતે ચર્ચા થશે, અને તેમના સુચનો મેળવાશે.