સંઘર્ષપૂર્ણ અભ્યાસ બાદ અમદાવાદની દીકરીએ મેળવી સિદ્ધિ

અમદાવાદઃ આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અતિસામાન્ય પરિવારમાંથી આવતી એક દીકરીએ આ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવી 99.45 પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. લક્ષ્ય જ્યારે માણસનું ઉંચુ હોય ત્યારે સાક્ષાત ભગવાન તે મનુષ્યને મદદ કરે છે. અને આ દીકરીના જીવનમાં પણ કંઈક આવી જ વાત જોવા મળે છે. સાવ સામાન્ય પરિવારમાંથી આ દીકરીએ આજે પોતાના કામની સાથે અભ્યાસ કરીને એક ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને એટલા માટે જ આજે આ દીકરી અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.

વાત છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા સુકેશ જૈનની દીકરી જાનવીની. હાટકેશ્વર વિસ્તારની રાજા ભગત શાળામાં અભ્યાસ કરતી જાનવીએ 12 ધોરણની પરીક્ષામાં 99.45 પર્સેન્ટાઈલ સાથે ટોપ કર્યું છે. આ દીકરી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરે છે અને માતા ઘરે સીલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કહેવાય છે હિંમતે મદા તો મદદે ખુદા. જે વ્યક્તિ હિંમત રાખીને પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાના કામમાં લાગી જાય છે તેની મદદ ભગવાન કરે છે. આ ઘરે સીલાઈકામ કરવાની સાથે અભ્યાસ પણ કરતી અને એ પણ કોઈપણ જાતના ટ્યૂશન વગર. પોતાની દીકરીએ આ સફળતા પ્રાપ્ત કરતા હાલ તો પરિવાર સહિત આસપાસમાં રહેતાં લોકોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે.