અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરે મેળવ્યું રાષ્ટ્રપતિ તરફથી સર્ટિફિકેટ ઓફ ઓનર

અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને સ્વતંત્રતા દિને રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પ્રમાણપત્ર એનાયત જાહેર કરવામાં આવ્યું છે.આ સર્ટિફિકેટ ઓફ ઓનર આગામી નવેમ્બરમાં નવી દિલ્હીમાં એક સમારોહમાં અર્પણ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે 2018 ના વર્ષ માટે સંસ્કૃત ભાષામાં સશોધન કાર્યો કરનાર 15 વિદ્વાનોને સમ્માન પ્રમાણપત્ર-સર્ટિફિકેટ ઓફ ઑનર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ વિદ્વાનોમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના પૂર્વ ડાયરેક્ટર અને સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ પ્રૉફે. ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને પણ આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રૉફે. ડૉ. વસંતકુમાર મ. ભટ્ટનો પરિચય

પ્રોફેસર ભટ્ટે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની 7મી સદીની કાશ્મીરી વાચનાનો પાઠ પ્રકાશિત કર્યો છે. કાશ્મીરની શારદા-લિપિમાં લખાયેલી પાંચ હસ્તપ્રતો, કે જે શ્રીનગર, પૂના અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંગ્રહિત હતી, તેને મેળવીને આ સંશોધનકાર્ય કર્યું છે. આમાંથી એક ભૂર્જપત્ર પર લખાયેલી હસ્તપ્રત તો ચારસો વર્ષ જૂની છે અને તેને અપ્રાપ્ય ઘોષિત કરવામાં આવી હતી. આ શારદા હસ્તપ્રતોમાં સુરક્ષિત રહેલો આ મહાન નાટકનો પાઠ હજુ સુધી અજ્ઞાત રહ્યો હતો. હાલમાં પઠનપાઠનમાં ચાલતો શાકુન્તલ નાટકનો મંચનલક્ષ્મી પાઠ તો 16મી સદીનો છે. પરંતુ હવે કાશ્મીરી વાચનાનો પાઠ શોધાયા પછી, સંસ્કૃતના વિદ્યાર્થીઓને 7મી સદીનો પ્રાચીનતમ અને કાલિદાસની વધુ નજીકનો પાઠ માણવા સુલભ થયો છે.વર્ષોથી સંસ્કૃત સાહિત્યમાં સંશોધનશ્રમ

આ પૂર્વે ડૉ. વસંતકુમાર ભટ્ટે પાણિનીય વ્યાકરણ શાસ્ત્રનો ગહન અભ્યાસ કરીને, ગુજરાત રાજ્યમાં વ્યાકરણના અભ્યાસને લોકપ્રિય બનાવેલ છે. તથા સંસ્કૃત ભાષા-શિક્ષણ માટે “સંસ્કૃત વાક્યસંરચના” નામના ગ્રંથની પણ રચના કરી છે. તેમણે 40 જેટલા ભાષા-સાહિત્યના ગ્રંથોનું પ્રકાશન કર્યું છે, અને 150 થી અધિક સંશોધન-પત્રો પ્રકાશિત કર્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં 35 વર્ષો સુધી કેવળ સ્નાતકોત્તર કક્ષાએ સંસ્કૃતના વિદ્યાર્થીઓને એમ. એ., એમ. ફિલ, અને પીએચ.ડી. માટે તૈયાર કર્યા છે. નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ, નવી દિલ્હીના નિમંત્રણથી તેઓએ દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાં જઈને હસ્તપ્રત-વિજ્ઞાનની કાર્યશાળાઓમાં પ્રશિક્ષણ આપ્યું છે.

કરી રહ્યાં છે દાક્ષિણાત્ય વાચનાનું સંશોધન

હાલમાં તેઓ દક્ષિણ ભારતમાં પ્રવાસો કરીને તાડપત્રો પર ગ્રંથ, મળયાલમ, કન્નડ, નન્દીનાગરી જેવી લિપિઓમાં લખાયેલી હસ્તપ્રતો ભેગી કરીને, મહાકવિ કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલ નાટકની દાક્ષિણાત્ય વાચનાનું સંશોધન કરી રહ્યા છે.