કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિજાપુરમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપી નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી સાથે સરખાવી મોદીને ચોકીદાર 100 ટકા ચોર છે તેવું કહેનાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ 154 અન્વયે કાર્યવાહી કરવા વિજાપુરના મોદી સમાજના માનદ પ્રધાને વિજાપુર પોલીસ મથકમાં આપેલી ફરિયાદ રૂપી અરજીએ ચર્ચા જગાવી છે.

વિજાપુરના કાશીપુરામાં રહેતા અને સ્થાનિક મોદી સમાજના માનદ મંત્રી સુહિત અશોકકુમાર મોદીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે 154 અંતર્ગત ફરિયાદ નોંધવા અરજી આપી છે. જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગ્લુરુથી 100 કિમી દૂર ગત 13 એપ્રિલના રોજ યોજાયેલી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ચોરનું ઉપનામ આપી તેમની સરખામણી દેશના આર્થિક ગુનેગાર નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી, વિજય માલ્યા સાથે કરીને સભામાં ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછેલું કે, બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે.

વધુમાં રાહુલ ગાંધીએ રાફેલ વિમાનના સોદા બાબતે નરેન્દ્ર મોદી ચોકીદાર 100 ટકા ચોર છે તથા નરેન્દ્ર મોદી 30,000 કરોડ રૂપિયા ચોરીને પોતાના ચોર દોસ્ત અનિલ અંબાણીને સોંપી દીધા હોવાની બદનક્ષીકારક ટીપ્પણી કરી હતી. આ કારણે ગુજરાતના મોઢ મોદી સમાજ અને વિજાપુર મોદી સમાજના તમામની લાગણી દુભાઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અરજીના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.