રાજ્યમાં આર્થિક ક્ષેત્રના પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુનઃનિર્માણ પગલા અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતિના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે.

૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે. વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.

વર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ની આ વૈશ્વિક મહામારી સામે ગુજરાતે મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં અન્ન સુરક્ષા, આરોગ્ય રક્ષા અને અન્ય ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પ્રોત્સાહક પગલાંઓ લીધા છે. ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની આ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે.

આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે. રૂપાણીએ આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે.

ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચાયેલી આ સમિતીએ તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથે પોતાની ભલામણોનો અહેવાલ રાજ્ય સરકારને એક મહિનામાં આપવાનો રહેશે. સમિતી આ અંગેનો વચગાળાનો અહેવાલ ઇન્ટરીમ રિપોર્ટ બે સપ્તાહમાં સરકારને સોંપશે. આ ઉચ્ચસ્તરીય સમિતી રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]