અમદાવાદમાં મોબ લિન્ચિંગનો ભોગ બનેલી ભિક્ષુક મહિલાના પતિને 8.25 લાખનો ચેક અપાયો

ગાંધીનગર-રાજ્યમાં વસતી તમામ જ્ઞાતિ અને પ્રાંતના લોકો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, તેનું ઉદાહરણ પૂરું પાડતાં ગુજરાત સરકારે એક ભિક્ષુક મહિલાના પરિવારને આર્થિક સહાય કરી હતી. અમદાવાદમાં જૂન-૨૦૧૮માં મોબ લિન્ચિંગ -ટોળાશાહીનો ભોગ બનેલ રાજસ્થાનની અનુસૂચિત જાતિની મૃતક મહિલાના પરિવારજનોને ગુજરાત સરકારે SC-ST એટ્રોસીટી એક્ટ હેઠળ રૂ.૮ લાખ, ૨૫ હજારની સહાય કરીને પરપ્રાંતિય ભિક્ષુક મહિલા પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.

તા. ૨૬ જૂન-૨૦૧૮ના રોજ અમદાવાદના વાડજ ખાતે ટોળાનો ભોગ બનેલા મૃતક શાન્તાદેવી મદારી જ્ઞાતિના ભિક્ષુક મહિલા હતા. મદારી જ્ઞાતિનો ગુજરાતમાં OBCમાં જ્યારે રાજ્સ્થાનમાં કાલબેલીયા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે.

આ ઘટના સંદર્ભે અમારા વિભાગ દ્વારા રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પ્રાન્ત અધિકારીનો સંપર્ક કરતા ધ્યાનમાં આવ્યું કે, આ જ્ઞાતિનો  રાજસ્થાનમાં અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે. આ અંગે સુમેરપુર પ્રાંત અધિકારી દ્વારા મૃતક મહિલા SC હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં ગુજરાત સરકારે SC-ST એટ્રોસિટી એકટ હેઠળ કેસ નોંધીને જોગવાઇ અનુસાર આ મૃતક મહિલાના પતિને ગાંધીનગર ખાતે રૂ.૮.૨૫ લાખનો સહાય રૂપે ચેક અર્પણ કર્યો હતો. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિના અને પરપ્રાંતિય લોકો પ્રત્યે પણ સમાન ભાવ પ્રદર્શિત કર્યો છે તેમ જણાવાયું હતું.

રાજસ્થાનથી આવેલા મૃતક મહિલા  શાન્તાદેવીના પતિ ચુનીનાથ કાલબેલીયા અને પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો હતો.

અતિ ગરીબ પરિવારને યોગ્ય ન્યાય અપાવતી આ માનવીય પહેલ બદલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, અધિક સચિવ  કે.જી.વણઝારા સહિતના અધિકારીઓના સંવેદનશીલ પ્રયાસોને મંત્રીશ્રી પરમારે બિરદાવીને તમામને અભિનંદન આપ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]