વિધાનસભા સત્રના અંતિમ કલાકોમાં કેગ રજૂ, કોંગ્રેસની અવિશ્વાસ દરખાસ્ત ઊડી ગઈ

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં મળેલાં બે દિવસીય સત્રના બીજા-અંતિમ દિવસે રાજ્યસરકારે 6 બિલ પસાર કરી દીધાં છે. જોકે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા કરાયેલી રુપાણી કેબિનેટ સામેની અવિશ્વાસ દરખાસ્ત ધારાધોરણ મુજબ હાથ પર લેવાને લાયક ન હોવાથી ફગાવી દેવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાર્જન્ટોને આદેશ કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યોને બહાર કરી દેવામાં આવે.

આ સાથે અંતિમ કલાકોમાં કેગનો રીપોર્ટ પણ ગૃહના ટેબલ પર રજૂ કરી દેવામાં આવ્યો હતો.

સરકારે આજે પસાર કરેલા બિલોમાં ચેઇન સ્નેચિંગ, ધારાસભ્યોનો પગાર વધારો, નશાબંધી કાયદા સુધારણા સહિત અન્ય ત્રણ બિલ પસાર કરવામાં આવ્યાં છે.જેમાં જીએસટી સુધારા વિધેયક પણ છે.

1-માળખાગત સવલતોનો વ્યાપ વધારવા તથા નાગરિકોની આકાંક્ષાઓને પહોંચી વળવા નગરપાલિકા વહીવટી કમિશનરની નવી જગ્યા ઉભી કરવાના વટહુકમને વિધાનસભા ગૃહની બહાલી
• અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ખાતે છ રીજીયોનલ કમિશનર કચેરીઓ ઉભી કરાઇ.
• ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર

આજે વિધાનસભા ખાતે ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક-૨૦૧૮ રજુ કરતાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ઉમેર્યુ કે,  નવીનીકરણ અને શહેરી રૂપાંતર માટેના સરળ મિશન, વાજબી આવામન, સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેવા વિવિધ પ્રોજેક્ટના લાભો નાગરિકોને ઝડપથી મળતા થાય તથા સરકારી યોજનાના લાભો વધુ ઝડપથી મળે તે માટે આ નિર્ણય કરાયો છે.

નગરપાલિકાઓના નિયામકની જગ્યાએ નગરપાલિકા વહીવટ કમિશનરની નવી જગ્યા ઉભી કરાઇ છે. સાથે-સાથે મ્યુનિસિપલ કમિશનરની કચેરીની કામગીરીને સરળ બનાવવા તથા કમિશનરને મદદરૂપ થવા અધિક કમિશનરની નવી જગ્યા ઉભી કરાઇ છે, તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત એમ ૬ નવી રીઝીયોનલ કચેરીઓ કમિશનર મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કચેરી હેઠળ કામ કરશે, સાથે-સાથે GMFB, GUDC, GUDM, સ્વચ્છ ભારત મિશન, NULM કચેરીઓ પણ કમિશનર મ્યુનિસિપાલિટી હેઠળ કામ કરશે. એ જ રીતે મ્યુનિસિપાલિટી કમિશનર કચેરીમાં કમિશનર નીચે એક નાયબ મ્યુનિસિપાલિટી કમિશનર (પ્રોજેક્ટ) અને નાયબ મ્યુનિસિપાલિટી કમિશનર (વહીવટ) એમ બે અધિકારી ફરજ બજાવશે.

2- જૂના-જર્જરિત ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવાના નિયમોમાં છૂટછાટ આપતી રાજય સરકાર : હવેથી પુન: વિકાસ થઇ શકશે:
*****
• મકાનના પુન: વિકાસ માટે ૭૫ ટકા માલિકોની સંમતિ
• વિકાસ પરવાનગી આપ્યાની તારીખથી ૨૫ વર્ષનો સમયગાળો પુરો થઇ ગયો હોવો જરૂરી
• મકાન જર્જરીત હાલતમાં છે તેવું સંબંધિત સત્તાધિકારી દ્વારા જાહેર કર્યુ હોય તે મકાનો પણ નવા બનાવી શકાશે
• આવા ફલેટોના નવા બાંધકામ માટે હયાત જી.ડી.સી.આર. મુજબ નવી બાંધકામ પરવાનગી મળશે.

ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત માલિકી ફ્લેટ સુધારા વિધેયક ૨૦૧૮ પસાર કરતાં જણાવાયું કે ભારે વરસાદ કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે જાનહાનિ રોકવા માટે જુના તેમજ જર્જરીત થઇ ગયેલા ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટ સરળ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જુના-જર્જરીત ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવાના નિયમોમાં રાજય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવશે. અને હવે થી આ ફલેટોનો પુન: વિકાસ થઇ શકશે.

3-ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક -ર૦૧૮ સર્વાનુમતે પસાર

• નાના વેપારીઓને ત્રણ મહિને રીટર્ન ભરવાની સરળ પદ્ધતિ અમલમાં આવશે.
• નવી માલ અને સેવા વેરા પધ્‍ધતિમાં પરીવર્તન કરી સરળીકરણની જોગવાઇ
• નાના મધ્‍યમ ઉદ્યોગ સાહસિકોને રીટર્ન ફાઇલ કરવા તેમજ વેરા ચુકવણી સરળ બનાવાઇ

સરકારે વેપારીઓને રીટર્ન ભરવામાં સરળતા રહે તે માટે ત્રણ મહિને રીટર્ન ભરવાની સરળ પદ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે. નવી વેરા પધ્‍ધતિને અમુક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો હતો. વેરા ચુકવનારાને ઉભી થયેલી અગવડતા પૈકીની મુખ્‍ય અગવડતા, ખાસ કરીને નાના અને મધ્‍યમ ઉદ્યોગ સાહસોને માલ અને સેવા વેરા કાયદા હેઠળ રીટર્ન (પત્ર) ફાઇલ કરવા અને વેરાની ચૂકવણીની પ્રક્રિયાને લગતી હતી. આ સંબંધમાં, સૂચિત નવા રીટર્નને ફાઇલ કરવાની વ્‍યવસ્‍થા, લઘુત્‍તમ કાગળ કામ સાથે નાના વેરા ચૂકવનારા માટે ત્રિમાસિક રીટર્ન ફાઇલ કરવા અને વેરાની ચુકવણીને ધ્‍યાનમાં લે છે. નવા રીટર્ન ફાઇલ કરવાની વ્‍યવસ્‍થાનું અમલીકરણ કરવા માટે મુશ્‍કેલીઓનું નિવારણ થશે.
આમાં જે બાબતોની જોગવાઇ કરવામાં આવી છે તે પ્રમાણે પુરવઠાના ક્ષેત્રને સ્‍પષ્‍ટ કરવા માટે અધિનિયમની કલમ-૭ સુધારી સપ્‍લાયના વ્‍યવહારોને ચીજ વસ્‍તુઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. રજીસ્‍ટર ન થયેલા પુરવઠાકાર પાસેથી અમુક નિર્દિષ્‍ટ કરેલા માલના પુરવઠાની પ્રાપ્‍તિના સંબંધમાં વિપરીત ચાર્જના આધારે, વેરો ચુકવવા માટે રજીસ્‍ટર થયેલી વ્‍યકિતઓના વર્ગો જાહેર કરવા માટે સરકારને સત્તા આપતા અધિનિયમની કલમ-૯ સુધારી, રીવર્સ ચાર્જ મીકેનીઝમ આધારે વેરો નકકી કરવાની સત્તા આપવામાં આવી છે. આ વિધેયકમાં એક કરોડ રૂપિયાથી એક કરોડ અને પચાસ લાખ રૂપિયા સુધી પતાવટ વેરાની મર્યાદા વધારી શકાય તે માટે અધિનિયમની કલમ-૧૦ સુધારી કમ્‍પોઝિશન સ્‍કીમની લિમિટ વધારી એક ને બદલે દોઢ કરોડ કરવામાં આવી છે.

આ સુધારાથી રેસ્‍ટોરન્‍ટ સર્વિસ સિવાયની સર્વિસ પૂરી પાડતા નોંધાયેલ કરદાતા લાભ લઇ શકશે. ઇનપુટ વેરા શાખાનું ક્ષેત્ર નિર્દિષ્‍ટ કરવા માટે પણ અધિનિયમની કલમ-૧૭ સુધારી કરદાતાને શિડયુલ-૩માં દર્શાવ્‍યા પ્રમાણે વેરાશાખ મળશે. દશ લાખ રૂપિયાથી વીસ લાખ સુધી ખાસ વર્ગમાં રજીસ્‍ટ્રેશન માટે માફીની મર્યાદા વધારવામાં આવી છે. કલમ-૨૨ માં ફેરફાર કરી ખાસ કેટેગરીની રાજયો માટે મહત્તમ મર્યાદા દસ લાખ નકકી કરવામાં આવી છે. વેરા ચુકવનારાને તે જ રાજયમાં આવેલા ધંધાના બહુવિધ સ્‍થળો માટે બહુવિધ રજીસ્‍ટ્રેશન મેળવવાનો વિકલ્‍પ મળે અને ખાસ આર્થિક ઝોન એકમ અથવા વિકાસકાર માટે અલગ રજીસ્‍ટ્રેશન માટે જોગવાઇ કરી શકાય તે માટે સુધારો કરવામાં આવ્‍યો છે.

રજિસ્‍ટ્રેશન રદ કરવાની બાબત, પ્રક્રિયા હેઠળ હોય ત્‍યારે રજીસ્‍ટ્રેશનની હંગામી મોકૂફી માટે જોગવાઇ રીટર્ન ફાઇલ કરવાની અને ઇનપુટ વેરાશાખ મેળવવાની નવી વ્‍યવસ્થા માટેની જોગવાઇ/અપીલ ફાઇલ કરવા માટે ચુકવવાપાત્ર પ્રિ-ડિપોઝીટની રકમની મહત્તમ મર્યાદા રપ કરોડ રૂપિયા સુધીની રહેવી જોઇશે, તેવી જોગવાઇ કરી શકાય તે માટેની અધિનિયમની કલમ-૧૦૭ની પેટા કલમ (૬) માં ફેરફાર કરી કરદાતાને પ્રથમ અપીલ સમયે વિવાદીત રકમના દસ ટકા રકમ અપીલ કરતા પહેલા ભરવાની થાય છે.

આ વિધેયકમાં છૂટક કામ પર મોકલેલા ઇનપુટ અને મૂડીગત માલના રીટર્ન માટેની સમય મર્યાદા અનુક્રમે એક વર્ષ અને બે વર્ષની મુદૃત સુધી લંબાવવા માટે કમિશ્‍નરને સત્તા આપવા ‘‘છૂટક કામ (જોબવર્ક) ની કાર્યરીતિ’’ ને લગતી બાબતો અને ફેરફારથી ઇનપુટ માટેનો સમયગાળો વધારવાનું એક વર્ષ અને કેપિટલ ગુડઝ માટે સમયગાળો વધારાના બે વર્ષ લંબાવવાની સત્તા મળશે. આ વિધેયકમાં મુખ્‍ય અધિનિયમની અનુસૂચિ-ર નું શીર્ષક ‘‘ માલના પુરવઠા અથવા સેવાના પુરવઠા તરીકે હોવાનું ગણવામાં તેવી પ્રવૃત્તિઓ’’ ને બદલે ‘‘ માલના પુરવઠા અથવા સેવાના પુરવઠા તરીકે હોવાનું ગણવામાં આવે તેવી પ્રવૃત્તિઓ અથવા લેવડ-દેવડ’’ તરીકે ફેરફાર સૂચિત કરવામાં આવ્‍યો છે.

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ-ર૦૧૭માં વધુ સુધારા કરી ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ સરળતા કરવામાં આવી છે. ફેરફાર કરાયેલ આ અધિનિયમ ગુજરાત માલ અને સેવા-સુધારા અધિનિયમ-ર૦૧૮ને વિધાનસભા ગૃહમાં વિના વિરોધે બહુમતીથી પસાર કરવામાં આવ્‍યું છે.