3 દિવસમાં એક જ જગ્યાએથી મળ્યાં 3 સિંહના મૃતદેહ, દલખાણીયા રેન્જમાં 1 મહિનામાં 25 સિંહના મોત

જૂનાગઢ– ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારોમાં એશિયાટીક સિંહોના મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહોના મૃતદેહો મળ્યાં છે. જોકે, તમામ મૃતદેહો કોહવાયેલી હાલતમાં મળ્યાં છે, જેથી મૃતદેહ સિંહોના છે કે,સિંહણના તે હાલનાં તબક્કે નક્કી થઇ શક્યું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, સિંહોના મૃત્યુનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.

ગીર પૂર્વ વિભાગનાં નાયબ વન સંરક્ષક પી.પુરુષોતમે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહોના મૃતદેહો મળી આવ્યા છે. આ ત્રણેય મૃતદેહો દલખાણિયા રેન્જમાંથી વિડી વિસ્તારમાંથી મળી આવ્યાં છે. બે દિવસ પહેલા સિંહોના બે મૃતદેહો મળી આવ્યા હતાં અને એક સિંહનો મૃતદેહ બુધવારે સાંજે મળી આવ્યો છે. મૃત્યુ પામનાર સિંહોની ઉંમરમાં, એકની ઉંમર એક વર્ષ, એકની ઉંમર ત્રણથી પાંચ વર્ષ અને એક સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની અંદાજવામાં આવી છે.

વધુમાં જણાવ્યું કે, ત્રણેય સિંહોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને શા કારણે આ ત્રણેય સિંહોનાં મૃત્યુ થયા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગનો સ્ટાફ જ્યાંથી સિંહોના મૃતદેહો મળી આવ્યાં છે ત્યાં સર્ચ કરી રહ્યો છે. પ્રાથમિક દ્રષ્ટએ આ ત્રણેય સિંહોના કૃદરતી મોત હોય તેમ જણાય છે પણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં પછી આ વિશે વધારે માહિતી મળી શકશે.

હાલ વન વિભાગનો સ્ટાફ સમગ્ર વિસ્તારને સ્કેન કરી રહ્યો છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, આ સિવાય અન્ય સિંહોના મૃત્યુ થયાં છે કે નહીં.

મહત્વની વાત એ છે કે, સમગ્ર ગીર અભ્યારણ્યમાં દલખાણિયા રેન્જમાં સૌથી વધારે સિંહો વસે છે પણ આ રેન્જમાં સરકાર ફુલ-ટાઇમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નિમણૂંક કરતી નથી. આ પહેલા, બુધવારે અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં ભેરાઇ ગામમાં પાંચ વર્ષની સિંહણ મરેલા ભૂંડને ખાધા પછી મૃત્યુ પામી હતી.

ઉલ્લેખનીય છે કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને થોડા મહિનાઓ પહેલા ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયાં છે.

ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીરમાં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યાં છે.