અબીર ફર્સ્ટ ટેક 2018: 40 શહેરોની ઉત્તમ કલાકૃતિઓ નિહાળવાનો અવસર…

અમદાવાદ- છેલ્લા 3 વર્ષથી અબીરનો વાર્ષિક શો ‘ફર્સ્ટ ટેક’ કલા સ્પર્ધાનો પર્યાય બની ચૂક્યો છે. અબીર ફર્સ્ટ ટેક 2018નો એલ એન્ડ પી હઠીસિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે. કુલ 1922 એન્ટ્રીમાંથી 111 કલાકૃતિઓને શોર્ટલીસ્ટ કરીને પ્રદર્શિત કરવામાં આવી છે. કલાચાહકો, કલાકારો અને કલાકૃતિઓ ખરીદનાર વર્ગમાં તેની લોકપ્રિયતા વધતી જાય છે.

અગાઉના બે વર્ષમાં માત્ર 5 વિજેતા પસંદ કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે વધુ સંખ્યામાં ભારતભરના કલાકારોને પ્રોત્સાહિત કરી શકાય તે માટે 10 વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. પ્રસિધ્ધ જ્યુરીએ પસંદ કરેલી અદભૂત કૃતિઓને 27 ઓકટોબરથી 2 નવેમ્બર દરમિયાન સાંજના 4 થી 8 વાગ્યા સુધી પ્રદર્શિત કરવામાં આવશે.

નિલીમા નાથ ઓપી અને અકબર અલી સુનાસરાને ઈચીંગમાં એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે દિપીકા સખ્ત પેઈન્ટીંગમાં વિજેતા બની હતી. મયધર સાહૂને શિલ્પમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ચાર વિજેતાઓ કલાના મથક તરીકે ગણના પામતા શહેર  વડોદરાના છે.

દેશનો પૂર્વ ભાગ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે સમૃધ્ધ છે. આ પ્રદેશના 3 વિજેતાઓએ આ વિસ્તારની હાજરી પૂરાવી હતી. પેઈન્ટીંગમાં સીઓરફૂલીના  સુવેન્દુ ભંડારી તથા કોલકતાના કલાકારો સૌવિક દાસ અને અર્જુન દાસ શિલ્પમાં વિજેતા બન્યા હતા.  અલાહાબાદના રામ યાદવ  અને દિલ્હીની આયુષી સૈનીએ પેઈન્ટીંગમાં એવાર્ડ પ્રાપ્ત કર્યો હતો  અને ઉત્તર ભારતની હાજરી પૂરાવી હતી, જ્યારે મેવેલિકા, કેરાલાની ધનિશ ટી પેઈન્ટીંગમાં એવોર્ડ મળ્યો હતો.

ઉદ્દઘાટન સમારંભમાં પ્રસિધ્ધ જ્યુરીમાં  રવિન્દર રેડ્ડી (નેશનલ એવોર્ડ વિજેતા પ્રસિધ્ધ શિલ્પી), સ્થાનિક પીઢ કલાકાર અમિત અંબાલાલ (ચિત્રકાર અને શિલ્પકાર)અને વિજય બગોડી (ઈચીંગ, વુડકટ, લીથોગ્રાફ, સેરીગ્રાફ અને મોનોપ્રિન્ટસના નિષ્ણાંત) ઉભરતા કલાકારો સાથે પરામર્શ કરવા અને વિજેતાઓનુ સન્માન કરવા  માટે હાજર રહ્યા હતાં.

નેચરલ ડાઈનાં પ્રસિધ્ધ પ્રણેતા રૂબી જાગૃત દ્વારા સ્થાપિત અબીર સતત 3 વર્ષથી દેશના ખૂણે ખૂણેથી તેજસ્વી કલાકારોને મુખ્ય પ્રવાહમાં લાવી રહ્યું છે. આ વર્ષે ત્રીજી એડીશનમાં 189 શહેરોમાંથી 1922 એન્ટ્રી મળી હતી. અબીર કલાકારોને મેન્ટરશીપ પૂરી પાડવા ઉપરાંત પૂરતી પ્રસિધ્ધિ મારફતે તેમની ક્ષમતા સાકાર કરવાની તક પૂરી પાડે છે.

પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુઝફરઅલીએ તેમના ઈમેઈલ સંદેશામાં જણાવ્યું છે કે “ફર્સ્ટ ટેકમાં સમગ્ર દેશમાંથી પ્રતિભાઓ સામેલ થઈ રહી છે તે બાબત ખૂબજ આનંદની બાબત છે. પ્રાપ્ત થયેલી દરેક કલાકૃતિ ખૂબ જ પાકટ હતી અને આ સમૂહમાંથી ઉત્તમ કલાકૃતિ પસંદ કરવાનું ઘણું મુશ્કેલ હતું. રૂબીની કલાની સમજ અંગેના ઓર્ગેનિક વિઝનના કારણે અબીરને રાષ્ટ્રીય કલા જગતમાં અત્યંત પાયાની ઝૂંબેશ તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.”

ફર્સ્ટ ટેક 2018 પ્રદર્શનના પ્રારંભ પ્રસંગે રૂબી જાગૃતે જણાવ્યું હતું કે “ફર્સ્ટ ટેક મોટું અને બહેતર બની રહ્યું હોવાથી તેનો મને આનંદ અને ગૌરવ છે. તેમાં વધુને વધુ પ્રમાણમાં ક્વોલિટી આર્ટ આવી રહી છે અને કલાકારોનું વૈવિધ્ય પણ જોવા મળે છે. પ્રથમ એડિશનમાં ભારતના 40 શહેરોમાંથી એન્ટ્રી આવી હતી. ત્રીજી એડિશનમાં 190 શહેરમાંથી આવી છે. આબીર ઘણું આગળ વધ્યું છે. વિજેતા બનેલી કલાકૃતિઓમાં કલ્પના અને વિવિધ ભૌગોલિક વિસ્તારોની અદ્દભૂત મજલ જોવા મળી છે. કલા ચાહકો અને પેટ્રન્સ તરફથી વધુ પ્રોત્સાહન મળતું જાય છે તેમ તેમ અમારૂં નિશ્ચય બળ વધતું જાય છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]