ગુજરાત પોલિસ દળમાં વધુ સુરક્ષાકર્મીઓનું બળ ભળ્યું…

ગાંધીનગર- ગુજરાત પોલિસ દળમાં વધુ સુરક્ષાકર્મીઓનું બળ ભળ્યું છે. ગાંધીનગર કરાઇ પોલિસ એકેડમીમાં તાલીમપ્રાપ્ત 396 પીએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસર અને લોકરક્ષક જવાનોનો પોલિસ બેડામાં સમાવેશ સંપન્ન થયો હતો.સીએમ વિજય રુપાણીએ દીક્ષાંત પરેડમાં હાજર રહી આ જવાનોને રાજ્યના સુરક્ષા કાર્યમાં જોડાવા બદલ પ્રોત્સાહન આપતાં પોલિસને નોબેલ પ્રોફેશનની ગરિમાને ઊંચે લઇ જવા અનુરોધ કર્યો હતો. તેમણે આ જવાનોને આહ્વાન કર્યું કે સમાજમાં નિર્દોષને રંજાડનારા તત્વોને સજા અપાવવામાં સક્રિય રહે.

ગુજરાત પોલીસ અકાદમી કરાઇમાં તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોલીસ દળમાં જોડાઇ રહેલા ૪૦ હથિયારી PSI, ૪૦ ઇન્ટેલિજન્સ ઓફિસર તથા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર અને બિનહથિયારી લોકરક્ષક મળી ૩૯૬ તાલીમાર્થીઓની દીક્ષાંત પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલવામાં આવી હતી, જેમાં 34 મહિલાકર્મીઓ પણ શામેલ છે.સીએમે આ પ્રસંગે શ્રેષ્ઠતા-દક્ષતા દર્શાવનારા કર્મીઓને મેડલ્સ-પુરસ્કારોથી નવાજ્યાં હતાં.

ગુનાખોરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ગુનેગારો આચરી રહ્યાં છે અને સાયબર ક્રાઇમ, ઇકોનોમિક ઓફેન્સિસ જેવા ગૂનાઓ બનવા માંડયા છે ત્યારે ટેકનોસેવી યુવા પોલીસ કર્મીઓ માટે નવા પડકાર-ચેલેન્જ ઊભા થયાં છે તેને આ નવનિયુકત ટેકનિકલ સ્કિલ્ડ મેનપાવર ચોક્કસ પાર પાડશે તેવી આશા જતાવાઇ હતી.