દાણીલીમડામાંથી 37 બાળમજૂરોને મુક્ત કરાયા

અમદાવાદઃ શહેરની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે અને એનજીઓના સ્વયંસેવકોએ દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા સિકંદર ઇન્ડસ્ટ્રીયલ માર્કટની વિવિધ ફેક્ટરીઓમાંથી 12થી 17 વર્ષના સગીર 37 બાળકોને બાળ મજૂરીમાંથી પોલીસની મદદ લઈને મુકત કરાવ્યા છે. પોલીસે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એન્ટિ-હ્મુમન ટ્રાફિકિંગ યુનિટનાં સૂત્રોએ કહ્યું હતું કે આ બાળમજૂરો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને શહેરના વિવિધ વિસ્તારોમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા.

આ સગીર બાળકોએ કહ્યું હતું કે તેમને કપડાંના એકમો, જીન્સ વોશિંગ યુનિટ અથવા રબર પ્રિન્ટ ફેક્ટરીમાં કામ કરવા માટે બે વર્ષ અને 15 દિવસથી લાવવામાં આવ્યા હતા. તેમને માસિક ધોરણે રૂ. 5000થી રૂ. 12,000ની વચ્ચે વેતન ચૂકવવામાં આવતું હતું. તેમનો કામકાજનો સમયગાળો દિવસના 12 કલાકનો હતો.  પોલીસે ૧૨ ફેક્ટરીના માલિકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ બાળકોને વાસણાસ્થિત ચિલ્ડ્રન્સ પ્રોટેક્શન હોમમાં મોકલવામાં આવ્યા છે. એ પછી તેમને તેમના વતન અને ઘરે મોકલવામાં આવશે, એમ યુનિટના સૂત્રે જણાવ્યું હતું.

પોલીસે ૧૨ કારખાનાના માલિકો સામે કલમ ૩૭૦, ૩૭૪ અને બાળ તથા તરુણ મજૂર મુજબની કલમ 79 અને 87 હેઠળ નોંધ્યો છે. પોલીસે ચાઇલ્ડ એન્ડ લેબર એક્ટ 1986 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.