ડીઝાઈન રસિયાઓ માટે શહેરમાં આજથી સરસ તક, લઇને આવ્યાં છે દેશના 60 અગ્રણી ડીઝાઈનર્સ…

અમદાવાદ-  પોતાના પ્રથમ શો દ્વારા અમદાવાદના ડીઝાઈનના રસિયાઓને ઘેલું લગાડનાર, સંશોધનાત્મક અને સર્વગ્રાહી ડીઝાઈન શો ‘રો કોલોબરેટિવ’ની બીજી આવૃત્તિનું 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2018 દરમિયાન શો મિલ ઓનર્સ એસોસિયેશન ખાતે આયોજન કરાયું છે. જેમાં ગેલેરી ફોર્મેટમાં ડીઝાઈન (ફર્નિચર,  ઉત્પાદનો, લાઈટીંગ, ટેક્સટાઈલ, સિરામિક્સ, એક્સેસરીઝ) રજૂ કરવામાં આવશે.

આ રો કોલોબરેટિવનું આયોજન, કળા, ડીઝાઈન, પ્રયોગશિલતા તથા ટેક્નોલોજીના મિશ્રણથી સંપૂર્ણરીતે ભારતીય ઉત્પાદનો તૈયાર કરવાના ભારતીય ડીઝાઈનર્સના સિદ્ધાંતોને મંચ ઉપલબ્ધ બનાવવાના હેતુથી કરાયું છે.

આ શો દરમિયાન દેશભરના 60 પ્રતિભાશાળી ડીઝાઈનર્સની આગવી કળા અને સંશોધનાત્મક સંકલ્પના રજૂ કરવામાં આવશે. આ તમામ ડીઝાઈન્સમાં ડીઝાઈનર્સની ઉત્કટતા અને કળાની પદ્ધતિનું પ્રતિબિંબ એ રીતે ઝીલાયું છે કે દરેક ઉત્પાદનની પાછળ એક રસપ્રદ કહાણી છુપાયેલી છે. તમામ ઉત્પાદનો એક સુંદર વૃતાંત, કળા અને કારીગરીનું પરિણામ છે. તમામ રચનાઓ સ્થાનિક અને સમકાલીન ડીઝાઈનનું યથાર્થ મિશ્રણ છે.રો કોલોબરેટિવનું મંચ, કલાકારો, ડીઝાઈનર્સ તથા આર્કિટેક્સને વિચારો, ડીઝાઈન તથા સંવાદ માટે ઉપયુક્ત માહોલ ઉપલબ્ધ બનાવે છે. આ વર્ષે, કેટલાંક સ્ટુડિયોઝ કળાના ચાહકો તથા ગ્રાહકોને પોતાના તૈયાર ઉત્પાદનો દર્શાવશે. આ ઉપરાંત ગેલેરીમાં ડીઝાઈનને વ્યાવસાયિક પરિમાણથી અલગ સ્તરે લઈ જવાશે.

ભારત અને વિદેશના 60 પ્રતિભાશાળી અને પ્રતિષ્ઠિત ડીઝાઈનર્સની રચનાઓને આ શોમાં દર્શાવવામાં આવશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન ‘રો ટોક સીરિઝ’નું આયોજન કરાયું છે જેમાં કળા, ડીઝાઈન તથા આર્કિટેક્ચરના વિવિધ પાસાં અંગે સંવાદ યોજાશે. પ્રતિષ્ઠિત ડીઝાઈનર્સ, આર્કિટેક્ટ્સ તથા કલાકારો આ સંવાદમાં ભાગ લેશે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2018 દરમિયાન લી કર્બુઝિયર્સ આર્કિટેક્ચરલ લેન્ડમાર્ક મિલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડિંગ ખાતે યોજાનારી રો કોલોબરેટિવની બીજી આવૃત્તિમાં ભારતીય ડીઝાઈનનાં માધ્યમથી અમદાવાદ ભારતીય કળાને માણશે.

રો કોલોબરેટિવના સંસ્થાપક તન્વી કારીઆના જણાવ્યાં અનુસાર રો કોલોબરેટિવએ ડીઝાઈન ક્ષેત્રે મારા 18 વર્ષના વ્યાપક અનુભવ તથા મારા પ્રોજેક્ટ્સ અને ક્લાયન્ટ્સ માટે યોગ્ય ઉત્પાદનની શોધ દરમિયાન  કેટલીક અપવાદરૂપ અનોખી ક્ષણોનો નીચોડ હોવાની સાથે સાથે જ ક્યારેક કોઈ ચોક્કસ જગ્યા માટે યોગ્ય, ઓર્ગેનિક અને સાચા શોધ નહીં મળવાની ક્ષણોનું સંભારણું છે. અમદાવાદ દેશમાં કળા, આર્કિટેક્ચર તથા ડીઝાઈનનું મુખ્ય કેન્દ્ર હોવાથી આ પહેલ શરૂ કરવા માટે તેનાથી ઉપયુક્ત અન્ય કોઈ સ્થળ હોઈ ના શકે. આ વર્ષે ડીઝાઈન ગેલેરી માટે 40થી વધુ ડીઝાઈનર્સની અનોખી કળાના સંયોજક તરીકે અમારા ગેસ્ટ ક્યુરેટર રૂષાદ શ્રોફ ઉપસ્થિત રહેશે.

રો કોલોબરેટિવના ઉત્સાહ અને ખંતને દર્શાવતા W- પ્રોજેક્ટના પ્રેઝન્ટર અને ક્યુરેટર પ્રિયદર્શિની રાઠોર અને વિશ્વા ભટ્ટ વિયરે જણાવ્યું હતું કે કોઈ શો કે ઈવેન્ટનું આયોજન ખૂબ જ મહેનત માગી લે તેવું કામ છે, જેમાં સમાન વિચારો ધરાવતા લોકો એક મંચ પર એકત્ર થઈ તેને સફળ બનાવે છે. અમે અત્યંત ઉત્સાહ અને પરિશ્રમ સાથે આ શોની બીજી આવૃત્તિ રજૂ કરી રહ્યાં છે, જે દર્શકોને ચોક્કસ ગમશે અને તેઓ દેશભરના ડીઝાઈનર્સને અમદાવાદમાં એક મંચ પર રજૂ કરવાના અમારા પ્રયાસોને બિરદાવશે. ચાલુ સપ્તાહે અમદાવાદ ડીઝાઈનના આ ઉત્સવને આવકારે તેવી અમને અપેક્ષા છે.

ડીઝાઈન ગેલેરી વિશે બોલતાં ગેસ્ટ ક્યુરેટર રૂષાદ શ્રોફે જણાવ્યું હતું કે અમારા મતે ડીઝાઈન ક્ષેત્રે પ્રતિભા અને ડીઝાઈન ક્ષેત્રે ભારત પાસે વિશ્વમાં રજૂ કરવા જેવી અખૂટ સંપત્તિ છે. આ ડીઝાઈન ગેલેરીમાં ભારતીય અથવા ભારતીય પરિપ્રેક્ષ્યમાં કામ કરી રહેલા 40થી વધુ ડીઝાઈનર્સની કળાને દર્શાવવામાં આવશે. જેમાં ડીઝાઈનને તેની પ્રક્રિયા, તેની સાથે સંકળાયેલી ઉત્પાદન અને કળા અને કારીગરી સહિતની બાબતોને આવરી લેવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં ડીઝાઈનની મજબૂત પ્રતિભા ધરાવતા યુવા ભારતીય ડીઝાઈનર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાની બાબત અમે નોંધી છે જેને રિટેલ સેટઅપ ઉપરાંતના પ્રતિનિધિત્વની જરૂર છે. ભારતમાં ડીઝાઈન ગેલેરીની જરૂર એ આ રો કોલોબરેટિવના નેજા હેઠળ આ પહેલ માટેનું મહત્વનું કારણ હતું.

ઉલ્લેખનીય છે કે, 2017માં યોજાયેલી પ્રથમ આવૃત્તિમાં એક્સક્લુઝિવ ઉત્પાદકો અને ઉત્પાદનોની બારીકાઈ, ગુણવત્તા તથા સ્ટાઈલ પર વિશેષ ભાર મુકતા ગ્રાહકવર્ગ વચ્ચે રહેલા મોટા તફાવતને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. રો કોલોબરેટિવના આ પ્રયાસની ડીઝાઈનર્સ સમુદાય દ્વારા ખૂબ પ્રશંસા કરાઈ હતી અને સાથે સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેને બિરદાવવામાં આવ્યું હતું. જેને પગલે રો કોલોબરેટિવે ભારતીય કળા અને પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રીત કરતાં પ્રતિભાશાળી ડીઝાઈનર્સની શોધ તથા તેમના કાર્યને યોગ્ય મંચ પૂરો પાડવાના પોતાના આ પથ પર આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.