અનોખો કર્મસંજોગઃ વજુભાઈ અને દેવેગોવડાની 22 વર્ષ જૂની વાત

ગાંધીનગર/બેંગાલુરુ– રાજકારણ કોને કહેવાય અને સત્તાના ખેલ કોને કહેવાય, સત્તા કયારે પરિવર્તન પામે અને ત્યાર પછી શું થાય! આવી જ કંઈક સ્થિતિ ઉભી થઈ છે કર્ણાટકમાં… કર્ણાટકના રાજ્યપાલ ગુજરાતના સીનીયર નેતા વજુભાઈ વાળા છે. વિધાનસભા પરિણામ આવી ગયાં છે અને ત્રિશંકુ વિધાનસભા સર્જાઈ છે, કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી, ત્યારે હવે રાજ્યપાલ વજુભાઈ વાળા કર્ણાટકમાં કોને સરકાર રચવા આમંત્રણ આપે છે, તેના પર બધો મદાર છે, એટલે કે ફાઈનલ નિર્ણય વજુભાઈ કરશે.આજની સ્થિતમાં જોઈએ તો કર્ણાટકમાં પૂર્વ પીએમ એચડી દેવગોવડા તેમની પાર્ટી જેડીએસ કોંગ્રેસના સમર્થન સાથે કિંગમેકરની ભૂમિકામાં છે. બીજી તરફ રાજ્યપાલ વજુભાઈ વાળા નક્કી કરશે કે સરકાર રચવાનો પહેલો હક કોનો છે.

પણ હવે ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે 22 વર્ષ પહેલા આ બન્ને નેતાઓના જીવનમાં અને સત્તા પરિવર્તને એવી કરવટ બદલી છે. સ્થિતિ ત્યારે આનાથી ઉલટી હતી. દેવગોવડા દેશના વડાપ્રધાન હતા. અને વજુભાઈ ગુજરાત ભાજપના પ્રમુખ હતા, ત્યારે પીએમ દેવગોવડાની ભલામણથી ભાજપ સરકારે સત્તા ગુમાવી હતી. સોશિઅલ મીડિયા પર રાજનીતિના આ સંયોગની ચર્ચા વાયરલ થઈ છે.1996માં ગુજરાતમાં ભાજપના નેતા શંકરસિંહ વાઘેલાએ પાર્ટી છોડી હતી, તેને કારણે સુરેશ મહેતાના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર સંકટ આવ્યું હતું. વિધાનસભામાં પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવાની હતી, પણ ત્યારે વિધાનસભા તોફાની બની હતી, અને પાર્ટીએ પોતાની બહુમતી રજૂ કરી પણ સ્પીકરે વિપક્ષને સસ્પેન્ડ કર્યા હતા, તેના એક દિવસ પછી રાજ્યપાલે રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજ્યની વિધાનસભાને વિખેરી નાંખવાની ભલામણ કરી હતી.

રાષ્ટ્રપતિએ તત્કાલીન પીએમ દેવગોવડાની ભલામણ અનુસાર વિધાનસભાને વિખેરી નાંખી, અને તે પછી વાઘેલા એક વર્ષ સીએમ બન્યાં, પણ કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો હતો, અને ગુજરાતમાં ફરીથી ચૂંટણી આવી હતી. અને તેમાં ભાજપ ફરીથી સત્તા પર આવી હતી.ગુજરાતના રાજકારણમાં જે ધમાલ ચાલી તે વખતે હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ તે વખતે ભાજપના પ્રમુખ હતા, અને ગુજરાત વિધાનસભાને વિખેરી નાંખવાની ભલામણ કરનારા હતા તત્કાલિન વડાપ્રધાન એચડી દેવગોવડા…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]