મગફળી કૌભાંડમાં રાજકોટ પોલિસનો સપાટો, મોટામાથાં સહિત 22ની ધરપકડ કરી

રાજકોટઃ મગફળીની બોરીઓમાં મગફળીની સાથે માટી અને ઢેફાં ભરવાના કૌભાંડમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા 22ની ધરપકડ સાથે પોલિસે સપાટો બોલાવ્યો હતો. પોલિસની સાત ટીમે અલગઅલગ તમામ આરોપીને ઝડપી લીધાં હતાં. મગફળી કૌભાંડમાં નાફેડ-ગુજકોટના અધિકારી સહિત 22 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.આ 22 આરોપીઓમાં 2 ગુજકેટ અધિકારી, 2 નાફેડના અધિકારી 1 વેર હાઉસ મેનેજર ઉપરાંત કૌભાંડના ફરિયાદી ગુજકોટ સૌરાષ્ટ્રના મેનેજર મગન ઝાલાવાડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના પેઢલા ગામે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીની બોરીઓમાંથી કાંકરા અને ધૂળના ઢેફા મળી આવ્યાં હતાં. આ મગફળી ખરીદવાનો વેપારીઓએ ઇનકાર કર્યો હતો જે મુદ્દે સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા તંત્ર દ્વારા પોલીસની હાજરીમાં ગોડાઉનમાં રહેલ તમામ મગફળીની બોરીઓ ચેક કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા કુલ 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે પોલિસ ફરીયાદ બાદ તપાસ શરુ કરાઇ હતી. આ મામલે જે ફરિયાદી હતાં તે મગનભાઇ ઝાલાવાડીયાની પણ પોલીસ દ્વારા ધરપકડ થતાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા તમામ આરોપીની વધુ પૂછપરછ શરુ થઇ છે. સંભાવના છે કે મગફળી કૌભાંડ મામલે હજુ પણ કેટલાક લોકોના નામો સામે આવશે.