સાબરમતી ટ્રેન અગ્નિકાંડના મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને આજીવનકેદની સજા

અમદાવાદ- વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો કોચ સળગાવવા મામલે સ્પેશિયલ કોર્ટે 62 વર્ષીય યાકુબ પાતળીયાને આજીવનકેદની સજા ફટકારી છે. કોર્ટે યાકુબ અબ્દુલ ગની પાતળીયાને હત્યા અને કાવતરું ઘડવાના ગુનામાં સજા ફટકારી છે.  આ પહેલાં કોર્ટે 31 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી હતી. આમ આ કેસમાં કુલ 32 શખ્સોને આજીવન કેદની સજા થઈ છે.

આરોપી યાકુબ પાતળિયાને સીટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. ત્યાર બાદ આ કેસની તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેને પગલે SITએ કુલ 125 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ટ્રાયલ કોર્ટે 11ને ફાંસીની અને 20 શખ્સોને આજીવન કેદની સજા આપી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે 11 શખ્સોની ફાંસીને સજા આજીવનકેદમાં ફેરવી હતી. આ કેસમાં કુલ 8 આરોપીઓ હજુ પણ ફરાર છે. જ્યારે 63 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ કેસ તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશને કહ્યું હતું કે એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ આગ લગાડવામાં આવી હતી.

મહત્વનું છે કે, 2018ના જાન્યુઆરી મહિનામાં ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. હાલ તેની ઉંમર 62 વર્ષ છે. ત્યાર બાદ આજે જજ એચ.સી.વોરાએ યાકુબને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.