જૂનાગઢ– જૂનાગઢ વડાલ રોડ પર 18 કિલો સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટ થઈ તેના 24 કલાકમાં પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂનાગઢના સીવીએમ જ્વેલર્સ પેઢીના 5.75 કરોડના સોના ભરેલી કારને હાઈવે પર આંતરીને 18 કિલો સોનાની સનસનાટીભરી લૂંટનો બનાવ શનિવારે બપોરે બન્યો હતો. પહેલેથી શંકાના દાયરામાં રહેલા કારના ડ્રાયવરની પોલીસે ધરપકડ કરી અને આગવી ઢબે પુછપરછ કરતાં ડ્રાઈવ ભાંગી પડ્યો હતો, અને લૂંટનું પૂર્વયોજીત હોવાનું તેણે જણાવ્યું હતું.અમદાવાદથી જૂનાગઢ આવતી સીવીએમ જ્વેલર્સ પેઢીની કાર જૂનાગઢ પહોંચે તે પહેલા રાજકોટ જૂનાગઢ હાઈવે પરના વડાલ પાસે પાછળથી આવતી કારના શખ્સોએ આંતરી હતી. પહેલા કારને ટક્કર મારી અને પછી અજાણ્યા શખ્સો કાર ડ્રાઈવરને ગૌતમ મજીઠીયા અને તેની સાથે રહેલા કર્મચારી મિલન ભુતને છરી બતાવી કારમાં પાછલી સીટમાં બેસી કારને વડાલથી આડા માર્ગે ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી તરફ લઈ જવા ફરજ પડાઈ હતી. વડાલ-ડેરવાણ રોડ પર ધાકધમકી અને છરી જેવા ઘાતક હથિયારો બતાવીને સોનાની લૂંટને અંજામ આપ્યો હતો.પોલીસે સૌપ્રથમ શંકાના આધાર પર કારના ડ્રાઈવર ગૌતમની પુછપરછ કરી, તો લૂંટ અંગેની તમામ વિગતો પોલીસને આપી દીધી હતી. આરોપી ગૌતમે આશરે 20 દિવસ પહેલા જ જૂનાગઢના એઝાઝ ઉર્ફે બાપુ ઈકબાલ ચિશ્તી નામના શખ્સને મળી રૂપિયા 50 હજાર આપી એઝાઝ સહિતના બીજા 4 શખ્સો મુસ્તાક ગુલામ મયુદીન કાદરી, ઈકબાલ ઉર્ફે ડાડો મહેમુદ ઠેબા, વસીમ ઈકબાલ ચાંદ અને મુનીર અહમદ સીડા તમામ જૂનાગઢના રહેવાસી છે, તેમણે ભેગા મળીને લૂંટને અંજામ આપ્યો હતો.