ગુજરાતે કેન્દ્રને જણાવ્યુંઃ વોટર ગ્રિડ સાથે હજુ આટલાં શહેરી વિસ્તાર જોડવાના બાકી

નવી દિલ્હી- ગુજરાતના જળપ્રધાન પરબત પટેલે કેન્દ્રીય જળપ્રધાન ઊમા ભારતી સાથેની બેઠકમાં રાજ્યમાં પીવાના પાણીની અછત સંદર્ભે લેવાયેલાં પગલાંની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યવ્યાપી વોટર ગ્રીડ દ્વારા પાણીની તંગી મોટાભાગે નિવારવામાં આવી છે.

પરબત પટેલે આ સંદર્ભે આંકડા રજૂ કરતાં કહ્યું કે ૧૨,૨૦૦થી વધુ ગામડા અને ૨૦૦ શહેરી વિસ્તારો સુધી વોટર ગ્રિડથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે વોટર ગ્રિડ સાથે હજુ પણ 150 શહેરી વિસ્તાર જોડવાના બાકી છે.

વોટર ગ્રીડ દ્વારા પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીનો મહત્વના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે. હાલમાં ૨,૮૦૦ કિમી જેટલી લાંબી પાઈપલાઈન તૈયાર છે તેના દ્વારા  દરરોજ સરેરાશ ૩૦૦ કરોડ લીટર પાણી સપ્લાય કરવાનું કામ કરે છે.

પરબત પટેલે રાજ્ય સરકારની કામગીરી અંગે સવિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના ૧૨,૨૦૦ ગામડા આ વોટર ગ્રીડથી  જોડવામાં આવ્યા છે તથા ૩૫૦ પૈકી ૨૦૦ શહેરી વિસ્તારોને આ વોટર ગ્રીડ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વધુમાં WASMO દ્વારા ઘેરઘેર પાણી પહોચાડવાની યોજનાના અમલમાં અત્યારસુધીમાં  ૧૬,૮૪૬ યોજનાઓ પૂરી કરવામાં આવી છે તથા ૧૭ લાખ લોકોને નળ દ્વારા ઘરઆંગણે પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ૭૭.૫% વસ્તીને ઘરઆંગણે નળથી પાણી પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત હાલમાં સંપન્ન થયેલ રાજ્યવ્યાપી જળસંચય કાર્યક્રમની માહિતી આપી હતી તથા ગંદા પાણીને શુદ્ધ કરીને  તેના પુનઃ ઉપયોગ માટેની નીતિ અંગે જાણકારી આપી હતી જે અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં સંપૂર્ણપણે  ટ્રીટ કરેલા પાણીનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે.

આ બેઠકમાં જળ સંપતિ વિભાગના અગ્ર સચીવ જે.પી.ગુપ્તા, અને WASMO બોર્ડના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]