ઉત્તરાયણઃ જલેબી- ઊંધીયાના ભાવમાં 15-20 ટકાનો વધારો

અમદાવાદ- ઉત્તરાયણના દિવસો જેમજેમ નજીક આવતાં ગયા તેમતેમ શાકભાજી, ચીક્કી, તલના લાડુ, જામફળ, શેરડી, બોર વિગેરે ચીજવસ્તુઓના સતત ભાવ વધતા ગયા હતા. જે જામફળ રૂટિન દિવસોમાં 40 રૂપિયે કિલો વેચાતા હતા, તે હાલ ઉત્તરાયણ પહેલા 60થી 80 રૂપિયે કિલો વેચાતા હતા. ઊંધીયામાં વપરાતી શાકભાજીમાં સુરતી પાપડી, રીંગણ, શક્કરિયા, બટાટા તમામના ભાવ વધ્યા છે, જેથી આ વર્ષે તૈયાર ઊંધીયું 15થી 20 ટકા મોંઘું થયું છે.ચોખ્ખા ઘીનો ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધ્યો છે, જેથી ઊંધીયા સાથે ખવાતી જલેબીના ભાવ પણ આ વર્ષે ખાસ્સા ઊંચા છે. જલેબીનો ભાવ કિલોએ 400થી 600 રૂપિયા છે. ઉત્તરાયણના દિવસે તૈયાર ઊંધીયું ખરીદવા માટે ફરસાણની દુકાનોની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે. જો કે કેટલાક પરિવારો ઘરેથી ઊંધીયું બનાવે છે. પણ હાલ તહેવારોમાં ઘરે ઊંધીયુ બનાવવાની કડાકૂટ કોઈ કરતું નથી. બજારમાં અનેક પ્રકારના ઊંધીયા મળે છે. ગુજરાતી ઊંધીયું, કાઠિયાવાડી ઊંધીયું, સુરતી ઊંધીયું, પંજાબી ઊંધીયું, ખાટિયું, ઉબાડિયું, માટલા ઊંધીયું, ડ્રાયફ્રૂટ ઊંધીયું, કઠોળ ઊંધીયું આવા અનેક પ્રકારના વિવિધ સ્વાદના ઊંધીયા રૂપિયા 200થી 700ના ભાવે કિલો વેચાય છે. લોકો રૂપિયા ખર્ચીને પણ તહેવારોની મોજ માણે છે.

પતંગ દોરીના ભાવ તો ઊંચા છે જ. પણ સાથે ખાવાના શોખીનોને પણ ઊંધીયું-જલેબી ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.