ભારતીય પેટન્ટ એજન્ટ પરીક્ષામાં સફળ જીટીયુના 13 વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદઃ ભારતીય પેટન્ટ એજન્ટની પરીક્ષામાં સફળતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર 13 વિદ્યાર્થીઓનું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. જીટીયુમાં બૌદ્ધિક સંપદા અધિકાર – ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર)નો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ કરીને આત્મવિશ્વાસ વધતા પેટન્ટ એજન્ટની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થતાં ગુજરાતને વધુ પેટન્ટ એજન્ટો ઉપલબ્ધ બન્યા છે.

જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન આઈપીઆર કોર્સની ચોથી બેચનું ઉદઘાટન પ્રજાસત્તાક દિનના રોજ થયું હતું. તે પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત એચ.કે.આચાર્ય એન્ડ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. રાજેશ આચાર્યએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આઈપીઆરના ક્ષેત્રમાં ટેક્નોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા કોમર્શિયલાઈઝેશનની બાબતો સૌથી મહત્ત્વપૂર્ણ બની રહેશે. બેચના ઉદઘાટન સમારોહમાં 54 વિદ્યાર્થીઓ સહિત 80 પ્રતિનિધિઓ-અગ્રણીઓ ઉપસ્થિત હતા.

આઈપીઆરના નિષ્ણાત પદમીન બુચે અતિથિવિશેષ તરીકે એવી માહિતી આપી હતી કે જીટીયુનો આઈપીઆર ડિપ્લોમા કોર્સ તેની વિશદ છણાવટ તેમજ નિષ્ણાતોની વિશાળ પેનલના માર્ગદર્શન જેવી બાબતોની દૃષ્ટિએ ભારતભરમાં અનોખો અને શ્રેષ્ઠ કોર્સ છે. તેને આંતરરાષ્ટ્રીય દરજ્જાનો બનાવવા કોર્સમાં ભારત ઉપરાંત ચીન, જાપાન અને આફ્રિકાની પેટન્ટ સિસ્ટમને પણ સામેલ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ કોર્સને ડાયનેમિક બનાવવા તેમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, આઈ 4.0 અને થ્રી-ડી પ્રિન્ટીંગ ટેક્નોલોજી  સહિતના લેટેસ્ટ ટેક્નોલોજીને લગતી પેટન્ટના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે.

જીટીયુ અને અન્ય કોઈપણ યુનિવર્સિટીના અનુસ્નાતક અથવા પીએચડીના વિદ્યાર્થીઓ કે તે ઉત્તીર્ણ કરી ચૂકેલી વ્યક્તિઓ, વિજ્ઞાન કે ટેક્નોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા હોય એવા પ્રાધ્યાપકો અથવા ઉદ્યોગ સાહસિકો કે ઔદ્યોગિક એકમોના અધિકારીઓને પણ આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે અને વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક થયેલા અને ઉદ્યોગોમાં કાર્યરત ઉમેદવારોને પણ તેમાં અગ્રક્રમ આપવામાં આવે છે. આ ઑફ-કેમ્પસ કોર્સમાં દર મહિને એક શનિ-રવિ ક્લાસ ચલાવવામાં આવે છે. જીટીયુએ છેલ્લા આઠ વર્ષમાં આઈપીઆર-પેટન્ટને લગતા 120 વર્કશોપ યોજીને લગભગ આઠ હજાર પ્રોફેસરોને તાલીમ આપી છે.

તે ઉપરાંત બીઈના સેમેસ્ટર-7 અને 8 તથા એમ.ફાર્મના સેમેસ્ટર-3માં પેટન્ટને લગતા વિષયો ઉમેરવામાં આવ્યા છે. જીટીયુ તરફથી સપ્ટેમ્બર-2014થી આઈપીઆરનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યો. સ્ટાર્ટ અપની તાલીમમાં પણ પેટન્ટના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ બધા પ્રયાસોને કારણે જીટીયુના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો 356 પેટન્ટ અરજી કરવાની સફળતા હાંસલ કરી છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.

આઈપીઆર કોર્સ શરૂ કરવામાં સિંહફાળો આપનાર અને એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના ડિરેક્ટર અને સીઈઓ ડૉ.મનિષ રાચ્છે સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે હું માનું છું કે વધુને વધુ પ્રમાણમાં પેટન્ટ ફાઈલ થાય એ પણ દેશભક્તિ ગણાય, કારણ કે તેનાથી દેશની સમૃદ્ધિ વધી શકે છે. મને એ વાતનો આનંદ છે કે જીટીયુના 13 વિદ્યાર્થીઓ પેટન્ટ એજન્ટની રાષ્ટ્રીય પરીક્ષા ઉત્તીર્ણ કરવામાં કામિયાબ રહ્યા છે. સમગ્ર ભારતમાં એક જ સંસ્થાના આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પેટન્ટ પરીક્ષામાં ઝળક્યા હોય એવું સફળતાની ટકાવારીની દૃષ્ટિએ કદાચ પ્રથમવાર બન્યું છે.

જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના માનદ નિયામક  હિરણ્મય મહંતાએ કહ્યું હતું કે ગુજરાત સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલિસી જાહેર કરી છે તે અંતર્ગત દરેક સ્ટાર્ટ અપને પેટન્ટ ફાઈલ કરવા રૂ. 25 હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે. જીટીયુ તરફથી આવા 35 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો પેટન્ટ ગ્રાન્ટ ફાળવણી માટે પસંદ થઈ ચૂક્યા છે. આગામી ફેબ્રુઆરીમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર શહેરોમાં વધુ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.

તેમાં પસંદગી પામનાર પ્રોજેક્ટોને પ્રોફેશનલ પેટન્ટ એજન્ટની મદદ પણ પૂરી પાડવામાં આવશે. ગુજરાતની સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ સમગ્ર દેશમાં નંબર 1 સ્થાન હાંસલ કરી ચૂકી છે અને જે રીતે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટો પેટન્ટ અરજી કરવા મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે, તે જોતા એવું જણાય છે કે પેટન્ટની બાબતમાં પણ ગુજરાત દેશમાં નંબર 1 સ્થાન હાંસલ કરશે.

દુનિયામાં કોઈપણ દેશની નોલેજ બેઝ અર્થતંત્રમાં આઈપીઆર અને પેટન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગત વર્ષે ભારતમાં આશરે 45 હજાર પેટન્ટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, તેમાંથી 70 ટકા અરજીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ કે વિદેશીઓએ દાખલ કરી હતી. વર્ષ 2015 પછીથી ચીનમાં દર વર્ષે દસ લાખથી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરાય છે. ભારતમાં આઈપીઆરના ક્ષેત્રમાં પૂરતી જનજાગૃતિનો અભાવ છે.

તે બાબતને ધ્યાનમાં રાખીને આ કોર્સ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરાયો છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફાર્માસ્યુટીકલ્સ અને એન્જીનિયરીંગની મોટી કંપનીઓમાં આવી લાયકાત ધરાવતા ઉમેદવારોની માંગ વધી છે, એમ જીટીયુના આઈપીઆર વિભાગના ઈન્ચાર્જ અમિત પટેલે જણાવ્યું હતું.