શિકાગો પ્રવચનનો 125મો ઐતિહાસિક દિવસ, રામકૃષ્ણ મઠ દ્વારા કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક વક્તવ્યની125મી વર્ષગાંઠ છે. જેને લઈને રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી પ્રવચન અને ગુજરાત યુનિવર્સિટીમાં પુસ્તકોનું વેચાણ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક વક્તવ્યની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી ૧૧મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સ્કૂલ ખાતે સ્વામી આદિભવાનંદજી મહારાજનું પ્રવચન અને ગુજરાત યુનિવર્સિટીમાં પુસ્તકોનું વેચાણ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ ખાતાએ પરિપત્ર બહાર પાડીને રાજ્યની શાળા-કૉલેજોને ૧૧મી સપ્ટેમ્બરે સવારના પ્રાર્થના સત્રમાં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલું પ્રથમ વક્તવ્ય વાંચી સંભળાવવા જણાવ્યું છે.

સ્વામી વિવેકાનંદે બપોરે સાડા ત્રણ વાગ્યે વક્તવ્ય શરૂ કર્યું હતું. તેમણે શ્રોતાઓને ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ કહીને સંબોધ્યા હતા, જે એક અસામાન્ય સંબોધન હોવાથી શ્રોતાઓએ ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. લોકોએ પોતાની જગ્યા પર ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું. ઘણા સમય સુધી હર્ષનાદ ચાલુ રહ્યો. માહોલ શાંત થયા પછી સ્વામી વિવેકાનંદે રુંવાડા ઊભા કરી દે એવું વક્તવ્ય આપ્યું હતું.

તેમણે હિંદુત્વની આપણી સામાન્ય સમજ પ્રમાણે પ્રશંસા નહોતી કરી. તેમણે સહિષ્ણુતાના ગુણની પ્રશંસા કરી. ફક્ત ‘સહિષ્ણુતા’ તેમના માટે પર્યાપ્ત નહોતી; તેમણે તો ‘સ્વીકૃતિ’ પસંદ હતી.દરેક ધર્મનો સ્વીકાર થવો જોઈએ અને તેને સન્માનિત સ્થળ મળવું જોઈએ. કોઈ પણ ધર્મને પવિત્રતા પર એકાધિકાર નથી હોતો, એમણે કહ્યું. દરેક ધર્મમાં મહાન સંતો થઈ ગયા છે અને સમાનત્વની સાબિતી છે. સ્વામી વિવેકાનંદે એ સત્યનો ઉપદેશ આપ્યો જે દરેક ધર્મ માટે સમાન છે કે ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલ છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’ આ એમના ઉપદેશનો સાર હતો. દરેક ધર્મનું સાર્વત્રિક તત્વ: વ્યક્તિ સંપૂર્ણ કઈ રીતે બની શકે? દરેક ધર્મ સાર્વત્રિક છે, જો તેનું ધ્યાન સાર્વત્રિક તત્વ પર કેન્દ્રિત હોય.

જો વ્યક્તિ દિવ્ય હોય, તો તે દરેક જગ્યાએ એક છે, ભાષા, રંગ અને બીજી વિશેષતાઓથી કોઈ ફર્ક નથી પડતો. તેનો ઉત્તરાર્ધ એ થાય કે દરેક સંબંધનો મૂળ આધાર પ્રેમ છે. આ સ્વામીજીના ઉપદેશનો કેન્દ્રીય વિષય હતો. એમણે ઈતિહાસ, દર્શનશાસ્ત્ર, ધર્મ, સાહિત્ય, અને વિજ્ઞાન પર ખૂબ કહ્યું હશે, પણ તેમના સંપૂર્ણ શિક્ષણનો સારાંશ તો ‘પ્રેમ’ જ હતો. દરેક ધર્મનો હાર્દ સાર્વત્રિક પ્રેમ છે. આ ભૌતિકવાદના યુગમાં જયારે લોકો અનંત ભોગોની ઈચ્છાઓ પૂર્ણ કરીને આધ્યાત્મિક અભાવ તરફ જઈ રહ્યા છે, ત્યારે સાર્વત્રિક ભાઈચારાનો સંદેશ, જે સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલા વિશ્વધર્મ પરિષદમાં જાહેર કર્યો, તે આપણને જીવનની પરિપૂર્ણતા નો માર્ગ બતાવે છે. આપણે જયારે જીવનના રોજીંદા સંઘર્ષોમાં ફસાયેલ છીએ ત્યારે સ્વામીજી એક દીવાદાંડી સ્વરૂપે આપણને આપણી મંજિલ બતાવે છે. તે આ પ્રમાણે છે – ‘આપણે દિવ્ય છીએ અને આપણા બધાંની અંદર રહેલ દિવ્યતા પ્રત્યેનીનિઃસ્વાર્થસેવા કરીએ એ જ સાચી પૂજા છે.’૧૨૫ વર્ષ વીતી ગયા છે પણ આપણે તે લક્ષ્યથી ખૂબ દૂર છીએ. સ્વામીજીના આ ઐતિહાસિક ભાષણના ૧૨૫ વર્ષના નિમિતે ચાલો આપણે આપણી આંખને સ્વામી વિવેકાનંદ રૂપી દીવાદાંડી તરફ રાખીને આપણી જીવનરૂપી નૌકાને તે તરફ હલેસીને લઈ જઈએ,એમ સ્વામી નિખીલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. રાજકોટ રામકૃષ્ણ આશ્રમ તરફથી યુવા પરિષદ પણ યોજવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]