કોર્ટે 100 વર્ષના વૃદ્ધાને કરી જેલની સજા, પરંતુ બાદમાં…

અમદાવાદઃ વીજ ચોરીના એક કેસમાં અમદાવાદના એક 100 વર્ષના વૃદ્ધાને જેલ થઈ છે. વસીમાબીબી નિઝામુદ્દીન અન્સારી નામના એક વૃદ્ધા સામે 2014માં જીઈબી પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો કેસ નોંધાયો હતો.

આ મામલે કોર્ટમાં કેસની સુનાવણી યોજાઈ હતી પરંતુ આ સુનાવણીમાં વસીમાબીબી હાજર ન રહેતા કોર્ટે તેમની સામે વોરન્ટ કાઢ્યું હતું. કોર્ટના આદેશ બાદ પોલીસે વસીમાબીબીની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે વસીમાબીબીને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આરોપીએ જામીન માટે અરજી કરી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટે સુનાવણી કરતા વસીમાબીબીને જામીન આપ્યા હતા.

પોતાની જામીન અરજીમાં આરોપીએ જણાવ્યું હતું કે તેઓ ઉંમરલાયક છે અને જાતે હરી-ફરી શકે તેટલા પણ સક્ષમ નથી. તો આ સાથે જ તેમને દૈનિક ક્રિયાઓ માટે પણ અન્ય કોઈ વ્યક્તિની મદદ લેવી પડે છે અને એટલા માટે જ તેઓ કોર્ટમાં હાજર રહી શકતા નહોતા. કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા પરંતુ સાથે જ પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યું હતું કે આરોપીએ કોર્ટમાં ગેરહાજર રહેવાના જે કારણો આપ્યા છે તે સ્વીકાર્ય નથી.

તો સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો વિરોધ તો નહોતો કર્યું પરંતુ તેમણે દલીલ કરી હતી કે કોર્ટે કડક શરતોના આધારે જ આરોપીને જામીન આપવા જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]