હાશ! બે ઝોનમાં 100 ટકા વરસાદ, રિવરફ્રન્ટ ફૂટપાથથી પાણી 5 જ ફૂટ દૂર

0
1636

ગાંધીનગર- રાજ્યમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહૌલ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ૧૫૫ મી.મી. અને મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૧૪૬ મી.મી. મળી બે તાલુકાઓમાં ૬ ઇંચ અને પાટણ જિલ્લાના હારીજમાં ૧૨૫ મી.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

તો અમદાવાદમાં સાબરમતીમાં નવા નીરની ભરપુર આવકે રિવરફ્રન્ટ પર રમણીય માહોલ જમાવ્યો છે. બેકાંઠે થયેલી સાબરમતી નદી પરના રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ જ દૂર વહી રહ્યું છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ પડશે તો વધુ પાણી આવશે જેને લઇને રિવરફ્રન્ટના ફૂટપાથ પર પાણી આવી જવાની શક્યતા વ્યક્ત થઈ છે.બીજીતરફ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬/૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ખેડબ્રહ્મા તાલુકામાં ૧૧૦ મી.મી., દાંતામાં ૧૦૮ મી.મી., સિદ્ધપુરમાં ૧૦૧ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૪ ઇંચ જ્યારે અમીરગઢ તાલુકામાં ૮૯ મી.મી. ઉંઝામાં ૮૬ મી.મી., મોડાસામાં ૮૨ મી.મી., ભિલોડામાં ૮૦ મી.મી.,પાલનપુરમાં ૭૮ મી.મી., ઇડરમાં ૭૩ મી.મી., કોટડા સાંગાણીમાં ૭૨ મી.મી. મળી કુલ ૭ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત વડગામમાં ૬૯ મી.મી., વિજયનગરમાં ૬૯ મી.મી., માલપુરમાં ૬૫ મી.મી., હિંમતનગર-વિજયનગરમાં ૬૩ મી.મી., ડીસામાં ૬૨ મી.મી., દાંતીવાડા-વડનગરમાં ૫૦ મી.મી., વડાલીમાં ૫૪ મી.મી., સમીમાં ૫૧ મી.મી., પાટણ-લાખવડમાં ૫૦ મી.મી., છોટાઉદેપુરમાં ૪૮ મી.મી. અને ખાનપુરમાં ૪૭ મી.મી., મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૮૬.૪૫ % જેટલો નોંધાયો છે જેમાં કચ્છ રિજીયનમાં ૧૦૨.૦૪ % ઉત્તર ગુજરાતમાં ૬૪.૨૦ %, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૧.૭૫ %, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૫ % અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૩૭ % જેટલો સરેરાશ વરસાદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , આજે સવારે ૬ થી બપોરના ૧૨/૦૦ કલાક દરમિયાન હારીજમાં૭૦ મીમી, એટલે કે બે ઇંચ જેટલો જ્યારે બેચરાજી, પાનલપુર, વડગામ, દીયોદર, વાંસદા અને દસાડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજયમાં સરેરાશ ૮૬ ટકા વરસાદ : ૪૦ જળાશયો છલકાયાં

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૬ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૮૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૨ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે. ૩૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૯.૦૧ ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયના કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૧૦૦ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૦૨,૪૧૦, કડાણામાં ૧,૬૦,૨૯૪, વણાકબોરીમાં ૧,૦૦,૧૯૮ ઉકાઇમાં ૫૫,૨૦૫ , ધરોઇમાં ૧૨,૫૦૦ દમણગંગામાં ૯,૯૫૪, કરજણમાં ૫,૯૨૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૧.૨૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૮.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૭.૩૭ ટકા,  કચ્છના ૨૦ જળાશયોમાં ૫૭.૭૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૧.૦૧ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૬૭.૫૩ ટકા એટલે ૩,૭૫,૯૩૧ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.